અમારો કોઈ રોલ નથી: અફઘાન મંત્રીની પ્રેસકોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY મુદ્દે ભારતનો જવાબ

MEA Clarification On PC OF Muttaki: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના બહિષ્કાર મામલે વિવાદ સર્જાયો હતો. વિપક્ષે સરકાર અને પુરુષ પત્રકારો પર આકારા પ્રહારો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી કે, દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેની કોઈ ભૂમિકા નથી. આ કાર્યક્રમ સંપૂર્ણપણે અફઘાનિસ્તાનના દૂતાવાસ તરફથી આયોજિત કરવામાં આવ્યો હતો.
ગઈકાલે શુક્રવારે દિલ્હીમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે મહિલા પત્રકારોને સામેલ થતાં અટકાવ્યા હતાં. મુત્તાકીના આ વલણથી વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો હતો. વિપક્ષે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ આકરી ટીકાઓ બાદ આજે શનિવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી દ્વારા ગઈકાલે શુક્રવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમારી કોઈ દખલગીરી ન હતી. તેનું સંપૂર્ણ આયોજન અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળના અધિકારીઓએ કર્યું હતું.
વિદેશ મંત્રાલયે આપ્યું સ્પષ્ટીકરણ
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપી છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને મુત્તાકી વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ કોઈ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ નથી. માત્ર અફઘાનિસ્તાને પોતાના દૂતાવાસ પરિસરમાં એક અલગથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુત્તાકીએ ભારત-અફઘાનિસ્તાન સંબંધો, માનવીય સહાયતા, વેપાર માર્ગો અને સુરક્ષા સહયોગ સહિત ક્ષેત્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માત્ર પસંદગીના પુરુષ પત્રકાર અને અફઘાન દૂતાવાસના અધિકારી જ સામેલ થયા હતા.
તાલિબાનના શાસનમાં મહિલાઓ પર અનેક પ્રતિબંધો
ઉલ્લેખનીય છે, અફઘાનિસ્તાનમાં તાલિબાને ઑગસ્ટ, 2021માં સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાની મહિલાઓ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેની વિશ્વભરમાં તેમજ યુએનમાં આકરી ટીકા થઈ રહી છે. યુએન દ્વારા તાલિબાનના મહિલા વિરોધી વલણને વિશ્વનું સૌથી ગંભીર મહિલા અધિકાર સંકટ ગણાવ્યું છે. તાલિબાને મહિલાઓની સ્વતંત્રતા છીનવી લીધી છે. તેણે તેમનું જાહેર અસ્તિત્વ ગાયબ કરી દીધું છે.
મહિલા પત્રકારોનું અપમાન
શુક્રવારે અફઘાનિસ્તાનના દૂતાવાસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને નો એન્ટ્રીનો આદેશ આપતાં બહાર કાઢ્યા હતા. જેથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ ઘટના પર સ્પષ્ટતા આપવાની માગ કરી હતી. તેમણે આ ઘટનાને ભારતની મહિલા પત્રકારોનું અપમાન ગણાવ્યું હતું.