India

મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે

By GS TEAM
15 Feb 20262 mins read
મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ બનશે ? નવી સરકારની તૈયારીઓ વચ્ચે, અટકળો ચાલે છે

તારિક રહેમાન યુનુસને મળવા જતાં અફવાઓએ જોર પકડયું

સોશ્યલ મીડિયા પર લોકો કહે છે : મોહમ્મદ યુનુસને કાંઈ મોટું સંવૈધાનિક પદ અપાશે : યુનુસ કહે છે : 'હવે મને રાજકારણમાં રસ નથી'

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં નવી સરકારનાં ગઠનની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર તરીકે રહેલા નોબેલ વિજેતા, મોહમ્મદ યુનુસને કોઈ સંવૈધાનિક પદ અપાશે. તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી.

૨૦૨૪ માં હસીના સરકારનાં પતન પછી સેનાનાં સમર્થનથી, યુનુસને બાંગ્લાદેશનું શાસન સોંપવામાં આવ્યું હતું. તેઓ અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર તરીકે હજી સુધી દેશનાં કામકાજ ઉપર નજર રાખી રહ્યા છે.

તારિક રહેમાન, ૧૭ મી ફેબુ્રઆરીએ વડાપ્રધાનપદના શપથ લેશે. તે પૂર્વે તેઓ મોહમ્મદ યુનુસને મળવા ગયા હતા. પરિણામે સોશ્યલ મીડીયા ઉપર તેવી વાત ચાલી રહી છે કે યુનુસને કોઈ મહત્વનું સંવૈધાનિક પદ આપવામાં આવશે. તારિક રહેમાનના નિકટવર્તી, હુમાયુ કબીરે કહ્યું હતું કે હજી સુધી કોઈની ભૂમિકા નિશ્ચિત નથી કરાઈ. મોહમ્મદ યુનુસ વિશે પણ કોઈ નિર્ણય લેવાયો નથી. તેટલું જરૂર છે કે તેઓએ તારિક રહેમાનને તેવું કહ્યુ ંકે દેશની પ્રગતિ માટે તેઓ હંમેશા વડાપ્રધાનની સાથે રહેશે.

શઘ્ફ ના રીપોર્ટ પ્રમાણે તારિકની પ્રાથમિકતા એક સર્વસંમત સરકાર બનાવવાની છે. તેમાં યુનુસની પ્રતિભા મહત્વનો ફાળો આપી શકે. અત્યારે મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના પ્રમુખ છે. ડેવિડ બર્ગમેનનું કહેવું છે કે મોહમ્મદ યુનુસની કેટલીયે બાબતોમાં ટીકા થઈ રહી છે. તેમ છતાં અંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ જાણીતા છે. વિદેશનીતિ અંગે તો યુનુસ ઘણા મદદરૂપ બની શકે તેમ છે. જો તેઓ દેશના રાષ્ટ્રપતિ બને તો તે સોનામાં સુગંધ જેવું બની શકે તેમ છે.

બર્ગમેને વધુમાં કહ્યું હતું કે રહેમાન અને યુનુસ વચ્ચે તાજેતરમાં થયેલી મંત્રણાઓના ગૂઢાર્થો ઘણા ઊંડા છે. જોકે સત્તા હસ્તાંતરણ કે, પોતાના વિશે યુનુસે કશું કહ્યું નથી. તેઓના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે, તેઓને રાજકારણમાં હવે કોઈ રસ રહ્યો નથી. કે તેઓ કોઈ સંવૈધાનિક પદ પણ ઇચ્છતા નથી. તેથી રાજકારણથી દૂર રહી પોતાનો સમય પોતાના માટે જ આપવા માગે છે.

તે જે હોય તે પરંતુ વિશ્લેષકો સ્પષ્ટ કહે છે કે બાંગ્લાદેશમાંથી શેખ હસીના સરકાર ગયા પછી અંતરિમ સરકાર રચાઈ હતી. તેના સલાહકાર યુનુસ હતા. તે સમયે હિન્દુઓ સહિત દેશની તમામ લઘુમતિ ઉપર અમાનુષ જુલ્મ ગુજારાયા હતા. તે માટે યુનુસે કશો મજબૂત પગલાં લીધા ન હતાં. આમ તેઓ આડકતરી રીતે તો તે હત્યાકાંડો માટે જવાબદાર છે જ તે માટે કોઈ વિવાદને સ્થાન જ નથી.