Get The App

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં

વિદ્યાર્થીએ એમબીબીએસના પ્રથમ વર્ષ માટે ફક્ત એક વખત પરીક્ષા આપી હતી ઃ જેમાં તે તમામ પેપરોમાં ફેઇલ થયો હતો

વિદ્યાર્થીએ એસસી ક્વોટામાં એડમિશન લીધું હતું

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં 1 - image

ગોરખપુર, તા. ૨૮

ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એમબીબીએસનો અભ્યાસ સાડા પાંચ વર્ષમાં પૂર્ણ થઇ જાય છે. જો કે અહીં એક વિદ્યાર્થી એવો છે જે છેલ્લા ૧૧ વર્ષથી એમબીબીએસના પ્રથમ વર્ષમાં જ  અટકી ગયો છે.

૫૬ વર્ષ જૂની બીઆરડી મેડિકલ કોલેજે દેશ-વિદેશને અનેક સારા ડોક્ટર આપ્યા છે. જો કે આ કોલેજમાં ભણી રહેલ આ વિદ્યાર્થી ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિદ્યાર્થી ૨૦૧૪ની બેન્ચનો છે અને તેણે સીપીએમટી દ્વારા એસસી ક્વોટામાંથી એડમિશન લીધું હતું.

આશ્ચર્યની વાત એ છે કે ૧૧ વર્ષ પસાર થઇ ગયા પછી પણ તે એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરી શક્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી નિયમિત પરીક્ષા આપી રહ્યો નથી અને કોલેજનું હોસ્ટેલ પણ છોડી રહ્યો નથી.

આ સમગ્ર કેસમાં કોલેજ વહીવટી તંત્ર પણ અત્યાર સુધી કોઇ મજબૂત અને સ્પષ્ટ નિર્ણય લઇ શક્યુ નથી. જેના કારણે પ્રશ્રો ઉભા થાય છે કે શા માટે એક વિદ્યાર્થીને આટલા લાંબા સમય સુધી ચલાવવામાં આવી રહ્યો છે?

વિદ્યાર્થી આઝમગઢનો રહેવાસી છે. તેના પિતા સબ ઇન્સ્પેક્ટર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીએ એમબીબીએસના પ્રથમ વર્ષ માટે ફક્ત એક વખત પરીક્ષા આપી હતી. જેમાં તે તમામ પેપરોમાં ફેઇલ થઇ ગયો હતો. ત્યારબાદથી તેણે એક પણ વખત પ્રથમ વર્ષની પરીક્ષા આપી નથી.

શિક્ષકોએ તેને અલગથી વિશેષ ભણાવવાની ઓફર કરી હતી પણ તેણે આ ઓફર ફગાવી દીધી હતી. હોસ્ટેલના વાર્ડને પણ કોલેજ વહીવટી તંત્રને છ વખત પત્ર લખી  આ વિદ્યાર્થીને કારણે અન્ય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી. જો કે વહીવટી તંત્રે કોઇ કાર્યવાહી કરી નથી.

નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ના ગ્રેજયુએટ મેડિકલ એજયુકેશન રૃલ્સ, ૨૦૨૩ અનુસાર એમબીબીએસના પ્રથમ વર્ષ માટે મહત્તમ ચાર પ્રયત્નો જ મળે છે. વિદ્યાર્થીઓને ચાર વર્ષની અંદર તેને પાસ કરવું પડે છે. સમગ્ર કોર્સને ૯ વર્ષની અંદર પૂર્ણ કરવું જરૃરી છે. જેમાં ઇન્ટરશીપ સામેલ નથી.