Get The App

જાણો, 1લી મે 'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' તરીકે કેમ મનાવવામાં આવે છે?

- આજના દિવસે મોટાભાગની કંપનીઓમાંં મજૂરોને રજા આપવામાં આવે છે

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
જાણો, 1લી મે 'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' તરીકે કેમ મનાવવામાં આવે છે? 1 - image

નવી દિલ્હી, તા. 01 મે 2020, શુક્રવાર 

દર વર્ષે 1 મેના રોજ મજૂર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એ લોકોને સમર્પિત છે જેમણે પોતાના પરિશ્રમથી દેશ અને દુનિયાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. કોઇ પણ દેશ, સમાજ અને ઉદ્યોગમાં મજૂરો, કામદારો અને મહેનતું લોકોનું યોગદાન અતુલ્ય છે. મજૂરોની મહેનત અને લગનને કારણે જ આજે વિશ્વભરના દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યા છે. 

મજૂર દિવસ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. મજૂર દિવસને લેબર ડે, મે દિવસ, શ્રમિક દિવસ પણ કહેવામાં આવે છે. આ દિવસે મોટાભાગની કંપનીઓમાં રજા આપવામાં આવે છે. ભારતમાં મજૂર દિવસ કામ કરતાં તમામ લોકોના સન્માનમાં મનાવવામાં આવે છે. 

મજૂર દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886ના રોજ થઇ હતી, જ્યારે અમેરિકામાં કેટલાય મજૂર સંઘોએ કામકાજનો સમય 8 કલાકથી વધારે ન રાખવા માટે હડતાલ કરી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટમાં બૉમ્બ વિસ્ફોટ થયો હતો. આ બૉમ્બ કોણે ફેંક્યો તેની કોઇને પણ ખબર નથી. પરંતુ પ્રદર્શનકારીઓના પ્રદર્શન રોકવા માટે પોલિસે મજૂરો પર ગોળીઓની વર્ષા કરી દીધી જેમાં કેટલાય મજૂરો મૃત્યુ પામ્યા હતા. 

શિકાગો શહેરમાં શહિદ મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે હેમાર્કેટમાં માર્યા ગયા નિર્દોષ લોકોની યાદમાં 1લી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે મનાવવામાં આવશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે. 

ભારતમાં મજૂર દિવસનો ઇતિહાસ

ભારતમાં મજૂર દિવસ મનાવવાની શરૂઆત સૌથી પહેલા ચેન્નાઇમાં 1લી મે 1923ના રોજ થઇ હતી. તે સમયે આ દિવસને મદ્રાસ દિવસ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો હતો. જેની શરૂઆત ભારતીય મજૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ સિંગરાવેલૂ ચેટ્યારે કરી હતી. 

ભારતમાં મદ્રાસ હાઇકોર્ટ સામે પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સંકલ્પ પાસ કરીને સહમતિ મેળવવામાં આવી કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે મનાવવામાં આવે અને મજૂરો માટે રજા જાહેર કરવામાં આવે. તે સમયે મજૂરો માટેની લડતમાં કેટલાય નેતા સામેલ થયા જેમા& સૌથી મોટું નામ દત્તાત્રેય નારાયણ સામંત ઉર્ફે ડોક્ટર સાહેબ અને જૉર્જ ફર્નાન્ડિસનું હતું. 

મજૂર દિવસ એ લોકોના નામે મનાવવામાં આવે છે જે દુનિયાના વિકાસ માટે સૌથી વિશેષ યોગદાન આપે છે. આ દિવસ યાદ અપાવે છે કે જો મજૂર જ ના હોતા તો આધુનિકતાના જે યુગ પર આજે આપણે ગર્વ અનુભવી રહ્યા છે તે અસ્તિત્વમાં જ ન હોત. આ વિકાસ, સમૃદ્ધિ અને એશો-આરામી મજૂરોની જ દેન છે. મજૂર દિવસને બહાને કામ કરતા પરિશ્રમીઓનો આભાર વ્યક્ત કરવો જોઇએ. 

કેવી રીતે મનાવવામાં આવે છે મજૂર દિવસ? 

મજૂર દિવસ એટલે કે શ્રમિક દિવસના દિવસે અલગ-અલગ શ્રમ સંગઠન અથવા ટ્રેડ યૂનિયન પોતાના સભ્ય્પ સાથે પોતાની માંગણીઓને લઇને પ્રદર્શન કરે છે. પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા માટે આ દિવસ યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત મજૂર દિવસના દિવસે કેટલાય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયાના જમાનામાં આ દિવસે ઇન્ટરનેટ પર મજૂર દિવસ ટ્રેન્ડ કરવા લાગે છે.  

જો કે આ વર્ષે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન છે. એવામાં મજૂર દિવસ સાથે સંકળાયેલા તમામ કાર્યો પહેલાથી જ રદ્દ કરી દેવામાં આવ્યા છે.