જાણો કોણ છે શ્રીનિવાસ રામાનુજ જેમની યાદમાં મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ગણિત દિવસ
નવી દિલ્હી, તા. 21 ડિસેમ્બર 2020, સોમવાર
ભારત માટે 22 ડિસેમ્બરનો દિવસ ખુબ ગૌરવશાળી છે. આ દિવસે દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ શ્રીનિવાસ રામાનુજની યાદમાં મનાવવામાં આવે છે ત્યારે કોણ હતા શ્રીનિવાસ રામાનુજ અને શા માટે તેમની યાદમાં રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવે તે સવાલ ચોક્કસ થાય, તો આવો જાણીએ શા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
શ્રીનિવાસ અયંગર રામાનુજને તેમના જીવનની ઉપલબ્ધીઓને સમ્માન આપવા માટે 22 ડિસેમ્બરે તેમની જયંતી પર રાષ્ટ્રીય ગણિત દિવસ જાહેર કરવામાં આવ્યો છે. વર્ષ 1887ના આ દિવસે ભારતીય મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ અયંગર રામાનુજનો જન્મ કોયંબતૂરના ઈરોડ ગામમાં થયો હતો. તેમની ગણના આધુનિક કાળના દેશદુનિયાના મહાન ગણિત વિચારકોમાં થાય છે.
આ દિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવાની જાહેરાત તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 26 ફેબ્રુઆરી 2012ના રોજ મદ્રાસ યુનિવર્સિટીમાં શ્રીનિવાસ રામાનુજના જન્મની 125મી વર્ષગાંઠના ઉદ્ધાટન સમારોહ દરમિયાન કરી હતી.
તેમણે પોતાના જીવનકાળમાં ગણિત વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં વિસ્તૃત યોગદાન આપ્યું હતું. બાળપણથી જ તેઓને ગણિતમાં રૂચિ હતી અને એવું પણ કહેવાય છે કે માત્ર 12 વર્ષની ઉંમરમાં તેમણે ત્રિકોણમિતિમાં મહારત હાંસલ કરી લીધી હતી અને અન્ય કોઈની મદદ વિના થ્યોરમ્સ(પ્રમેય)ને પણ વિકસિત કર્યો હતો.
તેમનું પ્રારંભિક શિક્ષણ કુંભકોણમની પ્રાથમિક શાળામાં થયું. 1898માં તેમણે ટાઉન હાઇસ્કુલમાં એડમિશન મેળવ્યું. અહીં તેમને ગણિત વિષયનું એક પુસ્તર વાંચવા મળ્યું. જેનાથી તેઓ એટલા પ્રભાવિત થયાં કે ગણિત તેમનો મનપસંદ વિષય બની ગયો. તેમણે મદ્રાસ યૂનિવર્સિટીમાં અધ્યયન કર્યું. વર્ષ 1911માં ઈન્ડિયન મેથેમેટિકલ સોસાયટીની જર્નલમાં તેમનો 17 પાનાનો એક પેપર પ્રકાશિત થયો જે બર્નૂલી નંબરો પર આધારિત હતો.
બાદમાં ઘરની આર્થિક સ્થિતી અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્ષ 1912માં તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં ક્લાર્ક તરીકે નોકરી શરૂ કરી જ્યાં તેમની ગણિતના કૌશલ્યનો ભરપુર ઉપયોગ કર્યો. એક અંગ્રેજ સહકર્મીએ રામાનુજને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જીએચ હાર્ડી પાસે ગણિત ભણવા મોકલ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆતના કેટલાંક મહિનાઓ પહેલા જ રામાનુજનું ટ્રિનિટી કોલેજમાં એડમિશ થઈ ગયું હતું. હાર્ડીએ રામાનુજને પહેલા મદ્રાસ યૂનિવર્સિટીમાં અને બાદમાં કેંબ્રિજમાં સ્કોલરશીપ અપાવવામાં મદદ પણ કરી હતી.