Get The App

ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ

Updated: Jan 16th, 2022

GS TEAM

Google News
Google News
ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ 1 - image

આપણે રોજ બરોજની જિંદગીમાં ગણિતની જરૃર પડે છે. તેનો પાયો ભારતના પ્રાચિન ગણિતાચાર્યોએ નાખ્યો હતો.પશ્ચિમી જગત ગણિત ગણતરીના અંધારામાં અટવાતું હતું ત્યારે ભારતે શૂન્યની ભેટ આપીને ગણિતના વિકાસમાં રોકેટ ઝડપ લાવી દિધી હતી.  જો કે અફસોસની વાત એ છે કે યુરોપના ન્યુટન, ગેલીલીયો, કોપરનિકસ અને કેપલર જેવા મહાન વૈજ્ઞાનિકોના ઉદાહરણો આપવામાં આવે છે પરંતુ આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય કે બ્રહમગુપ્તને પણ ભૂલવા જેવા નથી.

આર્યભટ્ટ - સૌ પ્રથમ વાર પાઇની કિંમત ૩.૧૪૧૬ નકકી કરી

 સંશોધન પરિચય

જ્ન્મ - ઇસ ૪૭૬ (શક સંવંત ૩૯૮)

જન્મસ્થળ -કુસુમપુર (હાલમાં અપ્રાપ્ય)

ઓળખ -ટેબલ સાયન્સ અને પાઇમાં સંશોધન

આજથી ૧૫૦૦ વર્ષ પહેલા આર્યભટ્ટે પહેલી વખત એવું અનુમાન કર્યું હતું કે પૃથ્વી ગોળ છે.એટલું જ નહી તે પોતાની ધરીની આસપાસ ફરે છે. યુરોપમાં કોપરનિકસ નામના વૈજ્ઞાાનિકે પૃથ્વી તેની ધરીની આસપાસ ફરે છે તેમ કહયું ત્યાંરે અંધશ્રધ્ધાથી ખદબદતા યુરોપમાં હાહાકાર મચી ગયો હતો.પરંતુ આર્યભટ્ટ આ વાત વર્ષો પહેલા સમજાવી હતી.

 આર્યભટ્ટે ચંદ્ર અને સુર્યગ્રહણ અંગે રાહુ અને કેતુ અંગેની અંધશ્રધ્ધા તોડીને એવું સમજાવ્યું હતું કે ગ્રહણો પૃથ્વી અને ચંદ્રના પડછાયાથી થાય છે. એટલું જ નહી ચંદ્ર એ સ્વયં પ્રકાશિત નથી એવું દુનિયામાં જાહેર કરનાર પ્રથમ ગણિતજ્ઞા હતા.ગણિતમાં ટેબલ ઓફ સાયન્સ અને પાઇ માટે ગણિત ક્ષેત્ર આર્યભટ્ટનું ઋણી છે.સાઇન અને કોસાઇન જેવા આધુનિક નામ આર્યભટ્ટના   જયા અને કોજયા શબ્દોનું જ અપભ્રશ હોવાનું માનવામાં આવે છે.આર્યભટ્ટે સૌ પ્રથમ વાર પાઇની કિંમત ૩.૧૪૧૬ નકકી કરી.આર્યભટ્ટે આર્યભટ્ટીય ગ્રંથ લખ્યો તેના ગીતીકાપદ,ગણિતપદ,કાલક્રિયાપદ અને ગોલપદ એમ ચાર પ્રકારો પડે છે.

ભાસ્કરાચાર્ય દ્વીતિય - બીજ ગણિતના માસ્ટર માઇન્ડ 

ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ 2 - image


જન્મ - ઇસ ૧૧૧૪

જન્મ સ્થળ - વિજજડવિડ ( હાલમાં અપ્રાપ્ય)

ઓળખ - બીજ ગણિતના માસ્ટર માઇન્ડ, સંશોધક અને સુધારક

 સંશોધન પરિચય 

ભાસ્કરાચાર્યએ ન્યુટનના જન્મના ૮૦૦ વર્ષ પહેલા પૃથ્વીના ગુરૃત્વાકર્ષણની વાત સમજાવી હતી.બીજ ગણિતના આ માસ્ટર માઇન્ડે અંકનું સ્થાન મુલ્ય ધરાવતી દશાંશ પધ્ધતિને દસ કરોડ અબજ સુધી (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) સુધી લખીને તેનું નામ પરાર્ધ આપ્યું હતું.ભાસ્કારાચાર્યએ માત્ર ૩૨ વર્ષની ઉંમરે સિધ્ધાંત શિરોમણી નામનો ગ્રંથ લખ્યો હતો. તેમને લીલાવતી નામની વિધવા થયેલી પુત્રી હતી તેના નામે એક અધ્યાય લખ્યો જે ગણિતના રસિયાઓમાં લીલાવતી તરીકે આજે પણ પ્રિય છે. ભાસ્કારાચાય એ પહેલીવાર આત્મવિશ્વાસથી કહયું કે કોઇ પણ સંખ્યા જયારે શુન્યથી વિભકત કરવામાં આવે છે ત્યારે અનંત થઇ જાય છે.ઘનાત્મક સંખ્યાને શુન્ય વડે ભાગવાથી જે રકમ મળે તેને ખરર એવું નામ આપનાર પ્રથમ ગણિતશાસ્ત્રી હતા.બીજ ગણિતના સમિકરણ (ઇકવેશન)નો ઉકેલ શોધવામાં ભાસ્કરાચાર્યએ ચક્રવાલનો ઉપયોગ કરેલો જે તેમનું મોટું પ્રદાન માનવામાં આવે છે. દુનિયાને પાસ્કલ ત્રિકોણની ભેટ ૧૭ મી સદીમાં પાસ્કલે આપી હતી.આ પ્રકારના ત્રિકોણ ખંડમેરૃના મથાળા હેઠળ ભાસ્કરાચાર્યએ આપ્યા હતા.

બ્રહ્મગુપ્ત - શૂન્યના નિયમો બનાવવાનું બહુમાન મેળવનારા 

ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ 3 - image

જન્મ - ઇસ ૫૯૮

સ્થળ - ભીનમાલ -રાજસ્થાન 

પિતાનું નામ - જિષ્ણુગુપ્ત 

સંશોધન પરિચય

 બ્રહ્મગુપ્તને શૂન્યના ગુણધર્મોની વ્યાખ્યા કરીને તેનો ઉપયોગ કરીને શુન્યના નિયમો બનાવવાનું બહુમાન મળે છે.વર્ગમુળ તથા ઘનમુળ શોધવાની સરળ રીતો બ્રહ્મગુપ્તે આપી છે.તેમને લખેલા બ્રહ્મસ્ફુટ નામના ગ્રંથનો અલજફરી નામના ગણિત લેખકે અરબી ભાષામાં અનુવાદ કરતા તેમના જ્ઞાાનનો ફેલાવો દેશના સિમાડા વટાવીને દરિયાપાર પહોંચ્યો હતો.બ્રહ્મસ્ફુટ ગ્રંથના ૧૮માં અધ્યાયનું નામ કુટકુટ્ટાધ્યાય છે.આ ઉપરાંત તેમણે ખંડ ખંડાયકા નામનું પુસ્તક લખેલું જેમાં અંર્તવેશન (ઇન્ટર પોલારેશન) સમતલ ત્રિકોણમતિ તેમજ ગોલીય ત્રિકોણમતિ બંનેમાં  સાઇન (જયા) કોસિન એટલે કે કોટિજ્યાના નિયમો મળે છે.આ ઉપરાંત કદમકલા અને દુર કેન્દ્ર નામના પણ ગણિત પુસ્તકો લખ્યા હતા. બ્રહ્મગુપ્તે એવા ચક્રિય ચર્તુભુજની રચના કરી તથા તેની રીત સમજાવી જેંમાં બધા જ પરિમાણ (માપ) પુર્ણ હોય.તેમજ આ ચક્રિય ચર્તુભુજ ભુજાઓનું ક્ષેત્રફળ,ત્રિભુજનું ક્ષેત્રફળઉપરાંત કર્ણોની લંબાઇઓ જાણવા માટેનું સુત્ર આપ્યું હતું.બ્રહ્મગુપ્તે તેમની ગાણેતિક સમજના આધારે દિવસ રાતના કલાકોની ગણતરી કરીને ૩૬૫ દિવસ ૬કલાક ૫ મીનિટ અમે ૧૯ સેકન્ડ હોવાનો ઘટસ્ફોટ કરેલો.  

મહાવીરાચાર્ય - શુધ્ધ ગણિતગ્રંથ 'ગણિત સાર' ના રચયિતા

ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ 4 - image

જન્મ - ઇસ ૮૧૫ થી ૮૭૮ (સંભવીત)

 ઓળખ - ગણિત સાર ગ્રંથની રચયિતા

સંશોધન પરિચય

મહાવીરાચાર્યના જન્મ,વતન,બાળપણ વિવાહ તથા અંગત પ્રસંગો અંગે કોઇ જ માહિતી મળતી નથી.પરંતુ મદ્રાસની પ્રેસિડેન્સી કોલેજના પ્રોફેસર રંગાચાર્ય એ મહાવીરાચાર્યના 'ગણિત સાર' ગ્રંથનો સંસ્કૃત તથા અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને પ્રકાશમાં લાવ્યા હતા.૧૯૦૮માં રોમમાં આયોજિત ગણિતની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગણિતના પ્રખર ઇતિહાસકાર ડેવીડ યુજેન સ્મીથે મહાવીરાચાર્યના યોગદાનનો ઉલ્લખે કર્યો હતો.મહાવીરાચાર્યનું ગણિતજ્ઞાાન અરબી વિદ્વાનો દ્વારા યુરોપ સુધી પ્રચાર પ્રસાર પામ્યું હતું.ગણિતના ઘણા સુત્રો અને નિયમો વિદેશના ગણિત સંશોધકોના નામે ચડાવવામાં આવે છે પરંતુ તેનો મુલાધાર મહાવીરાચાર્યનો ગ્રંથ ગણિતસાર સંગ્રહ છે. કંઠાભરણ સંખ્યાઓ જેવી ઘણી રમૂજપ્રેરક સંખ્યાઓનો ઉલ્લેખ ગણિતસારમાં કર્યો છે.ગણિતસાર સંગ્રહ ગ્રંથ લખ્યો તે ભારતનો પ્રથમ શુધ્ધ ગણિત ગ્રંથ હોવાનું બહુમાન મળે છે.

શ્રી નિવાસ રામાનુજન - ગરીબીમાં પણ ગણિત ગણતા રહયા

ભારતના ગણિતાચાર્યો જેમણે દેશ અને દુનિયાના ગણિતને સમૃધ્ધ કર્યુ 5 - image

જન્મ - ૨૨ ડિસેમ્બર -૧૮૮૭

જન્મ સ્થળ - ઇરોડ નગર - તામિલનાડુ

ઓળખ  - અવાર્ચિન ભારતના મહાન ગણિતજ્ઞ

 રામાનુજન એવી ગરીબાઇમાં ઉછરેલા કે ગણિતના દાખલા અને સૂત્રો ગણવા માટે કાગળ ખરીદવાના પૈસા ન હતા. તેમને સ્કુલમાં ગણિતમાં માર્કસ સારા આવતા હતા.પરંતુ  અંગ્રેજી  ખૂબ પરેશાન કરતું.કોલેજમાં તો તેઓ નપાસ થવાના કારણે શિષ્યવૃતિ બંધ થઇ જતા અભ્યાસ છોડી દેવો પડયો.૧૯૧૨માં મદ્રાસ પોર્ટ ટ્રેસ્ટના કાર્યાલયમાં ૩૦ રુપિયા માસિક પગારે કલાર્કની નોકરી સ્વીકારી.૧૬ જાન્યુઆરી ૧૯૧૩ના રોજ કેમ્બ્રિજ યુનિર્વસિટીના પ્રોફેસર જી એચ હાર્ડીને ૧૧ પાનનો એક પત્ર લખ્યો. તેમાં ૧૨૦ જેટલા પ્રમેય પણ મોકલ્યા.પ્રોફેસર હાર્ડી પ્રેમેય વાંચીને પ્રભાવિત થયા અને રામાનુજનને ઇગ્લેન્ડ બોલાવી લીધા હતા.૧૯૧૫માં રામાનુજન અને પ્રોફેસર હાર્ડીએ સાથે મળીને ૯ ગણિત સંશોધન પ્રકાશિત કર્યા હતા.

૧૯૧૭માં લંડનની રોયલ સોસાયટીએ ફેલો જાહેર કર્યા હતા. લંડનમાં તેમની તબિયત ખરાબ થતા ૨૭ માર્ચ ૧૯૧૯ના રોજ ભારત પાછા ફર્યા હતા. ૧૨ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ પ્રોફેસર હાર્ડીને લખેલા પત્રમાં તેમને મોકથીટા ફલન નામના ગણિત સંશોધન અંગે જાણકારી આપી જેમાં ૬૫૦ જેટલા સૂત્રો હતા.૨૬ એપ્રિલ ૧૯૨૦ના રોજ ૩૩ વર્ષની ઉંમરે તેમનું બિમારીના લીધે અવસાન થયું હતું.રામાનુજનની નોટબુક ભાગ -૧ અને ભાગ -૨ તેમની પ્રસિધ્ધ ગણિત પુસ્તકો છે.તેના પર ૧૦૦ થી વધુ લોકો પી એચડી થયા છે.