Get The App

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરુ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરુ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી 1 - image


UGC Headquarters Protest : UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે. 

નોંધનીય છે કે દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે. 

UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઇન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે. 

UGCના નિયમોનો વિરોધ કરી રહેલા લોકો શું કહી રહ્યા છે?

ભેદભાવની વ્યાખ્યા: નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.

જો કોઈ જાણીજોઈને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે. 

કૉલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી. 

ભાજપમાં જ અસમંજસની સ્થિતિ, નેતાઓ ખૂલીને બોલવા લાગ્યા 

સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરુ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે. 

ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે. 

ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.