Andhra Pradesh Massive Gas Leak: આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લામાં ONGCની ગેસ પાઈપલાઈનમાં મોટાપાયે લીકેજ થવાની ઘટના સામે આવી છે. મલિકીપુરમ મંડળના ઇરુસમાંડા ગામ પાસે પાઈપલાઈનમાંથી અચાનક ગેસ લીકેજ થયો હતો, જેણે જોતજોતામાં ભીષણ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, પાઈપલાઈનમાંથી ગેસ લીક થતા જ આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગેસનું દબાણ એટલું વધારે હતું કે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આસપાસના રહેણાંક વિસ્તારો સુધી ધુમાડો પહોંચતા લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને ફાળ પડી હતી. આસપાસના ગામડાઓમાં ચોતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. બીજી તરફ હજારો નારિયેળી અને વૃક્ષો સળગી ગયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે આ અંગે ONGCના અધિકારીઓ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
ગામ ખાલી કરાવાયા
ઘટનાની ગંભીરતાને જોતા વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે અને મોટી જાનહાનિ ટાળવા માટે ઇરુસમાંડા અને તેની આસપાસના ગામોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા કામગીરી ચાલુ
ONGCના ટેકનિકલ નિષ્ણાતો અને ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગેસનો પુરવઠો પાછળથી બંધ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પાઈપલાઈન લીક થવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.


