કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ
- ઘટના સમયે હોટેલના 42 રૂમોમાં 88 લોકો હતાં
- વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન મમતાની મૃતકોના પરિવારજનો માટે રૂ. બે-બે લાખ આપવાની જાહેરાત
- ઘટનાની તપાસનો આદેશ : કોલકાતા પોલીસે આગનું કારણ જાણવા સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી
કોલકાતા : મધ્ય કોલકાતાના મછુઆપટ્ટી વિસ્તારની એક હોટેલમાં ભીષણ આગ લાગવાથી એક મહિલા અને બે બાળકો સહિત ૧૪ લોકોનાં મોત થયા છે અને ૧૩ ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર છ માળની રિતુરાજ હોટેલમાં સાંજે ૭.૩૦ વાગ્યે આગ લાગી હતી. આ હોટેલના કુલ ૪૨ રૂમોમાં કુલ ૮૮ મહેમાનો હતાં. મૃતકોમાં ૧૧ પુરુષો, એકે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે.
મેયર ફિરહાદ હાકીમના જણાવ્યા અનુસાર તમામ ૧૪ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને પરિવારજનોને મૃતદેહો સોંપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ અગાઉ પોલીસ કમિશનર મનોજ વર્મા અને સ્ટેટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના પ્રધાન સુજિત બોઝે ૧૫ લોકોના મોત થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે હોસ્પિટલો અને બચાવ એજન્સીઓ સાથે આંકડા ક્રોસ વેરિફિકેશન કર્યા પછી મૃત્યુ આંક રિવાઇઝ કરી ૧૪ કર્યો હતો.
દસ કલાકની ભારે જહેમત પછી ફાયર વિભાગને આગ પર અંકુશ મેળવવામાં સફળતા મળી હતી. આગ લાગવાના કારણો શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ફાયર સર્વિસીસ રણવીર કુમારના જણાવ્યા અનુસાર હોટેલના ફાયર સેફટી ક્લિયરન્સની મુદ્દત ૨૦૨૨માં પૂર્ણ થઇ ગઇ હતી અને ત્યારબાદથી તેને રિન્યુ કરાવવામાં આવ્યું નથી. ઘટનાના સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને હોેટેલના માલિકો ભાગી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલનો ૫૦,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપશે. મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા છે.
ઘટના પછી કોલકાતા પોલીસે આગ લાગવાનું કારણ જાણવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી છે.