શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ, 9ના મોત, 32થી વધુ ઈજાગ્રસ્ત

Srinagar Blast News : દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં 9 લોકોના મોતના અહેવાલ છે.
પોલીસ સ્ટેશનની ઈમારતને નુકસાન
આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ ઊભેલા વાહનો પણ સળગી ગયા હતા. લગભગ 300 ફૂટ સુધીના વિસ્તારમાં માનવઅંગો ફેલાઈ ગયા હતા. આ દૃશ્ય જોતા જ આત્મા ધ્રૂજી ઊઠ્યો હતો.

ક્યારે થયો વિસ્ફોટ
શુક્રવારે રાતે લગભગ 11:22 વાગ્યે થયેલા વિસ્તારોમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નીપજ્યા છે અને 32થી વધુ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે જેમાં અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. કાટમાળમાં હજુ ઘણાં લોકો દટાયેલા હોવાની પણ આશંકા છે.
ઘટના ભયાનક હતી
સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર આ વિસ્ફોટની તીવ્રતા એટલી ખતરનાક હતી કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઊડ્યા હતા. એના પછી એક પછી એક નાના-મોટા વિસ્ફોટને કારણે રાહત બચાવ ટુકડીને અંદર સુધી પ્રવેશ કરવામાં લગભગ એક કલાકથી વધુ સમય લાગી ગયો હતો. આ ભયાનક ધમાકો ત્યારે થયો જ્યારે પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવેલા વિસ્ફોટક સામગ્રીના નમૂનાઓનું પરીક્ષણ કરી રહી હતી. આ વિસ્ફોટક સામગ્રી (જેમાં મોટાભાગે એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો હતો) તાજેતરમાં જ એક 'વ્હાઇટ-કોલર' આતંકી મોડ્યુલના પર્દાફાશ દરમિયાન હરિયાણાના ફરીદાબાદમાંથી જપ્ત કરવામાં આવી હતી.

