'ઓપરેશન સિંદૂર'માં મસૂદ અઝહરના સમગ્ર કુટુમ્બનો ખાત્મો : ટોચના જૈશ-કમાન્ડર ઈલિયાસ કાશ્મીરીએ કબૂલ્યું
- ઈલિયાસ કાશ્મીરીએ કહ્યું : ભાવલપુરમાં આવેલા જૈશના ગુપ્ત સ્થાન સુધી ભારતીય સૈનિકો ઘૂસી ગયા અઝહરના કુટુમ્બના દસે દસને વિંધી નાખ્યાં
નવી દિલ્હી : ભાગ્યે જ કબૂલાત કરનારા જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મસુદ ઈલિયાસ કાશ્મીરીએ આજે સ્વીકાર્યું હતું કે મે ૭ના દિવસે ભારતે પાકિસ્તાન તેમજ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં પ્રચંડ એર સ્ટ્રાઇક્સ તો કરી જ હતી પરંતુ ભારતીય સૈનિકો ભાવલપુર સ્થિત મસૂદ અઝહરના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા હતા અને ઘરમાં રહેલા તમામ દસે-દસ કુટુમ્બીજનોને જન્નત નશીન કરી નાખ્યાં હતાં.
આશ્ચર્ય તે વાતનું છે કે મસુદ અઝહરનું કુટુમ્બ ભાવલપુરમાં ક્યાં રહે છે તેની પાકી માહિતી ભારતને હશે જ નહીં તો આટલાં મોટાં શહેરમાં એક ચોક્કસ ઘર શોધી ત્યાં ઓચિંતો હુમલો કરી શકાય જ કંઈ રીતે, વાસ્તવમાં તે ઘરમાં જ નીચે એક બંકર હતું જેમાં યુદ્ધ સમયે છુપાવવાની વ્યવસ્થા પણ હતી. ભારતને તે વિષે ચોક્કસ માહિતી હોવી જ જોઈએ તે સહજ રીતે માની શકાય.
ભાવલપુર જૈશ-એ-મહમ્મદનું મુખ્ય મથક છે. આ ઉપરાંત પાકિસ્તાનના પંજાબમાં અન્ય ત્રણ મથકો છે. જ્યારે કહેવાતા 'આઝાદ કાશ્મીર' પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરમાં આતંકીઓનાં પાંચ સ્થળો છે. તે નવે નવ ગુપ્ત સ્થાનોની ભારતને ચોક્કસ માહિતી હોવી જ જોઈએ તેથી ૭ મેના દિવસે તે નવે-નવ સ્થાનો ઉપર એકી સાથે હવાઈ હુમલા કરાયા હતા. જોકે આ અંગે કર્નલ સોફીયા કુરેશીએ જેઓ પણ એક વિમાન ચલાવતાં હતાં કહ્યું હતું કે અમે વિમાનમાંથી રોકેટસ છોડયાં હતાં, મિસાઇલ્સ છોડયાં હતાં, પરંતુ તે આતંકવાદીઓનાં જ ગુપ્ત સ્થાનો પર છોડાયા હતા, કોઈ નાગરિક સંસ્થાનો ઉપર નહીં કે નગરજનોના નિવાસ સ્થાનો પર નહીં.
આ હુમલા પછી ભારતીય જવાનો મસૂદના ઘરમાં ઘૂસી ગયા હશે તે શક્ય છે કારણ કે તે રોકેટ હુમલાને લીધે પાકિસ્તાનનાં સૈનિકો કે અન્ય સલામતિ રક્ષકો ત્યાં રહી નહીં શક્યા હોય.