'જીદંગી લંબી નહી બડી હોની ચાહીએ' :: શહીદ જવાન કપિલ કુંડૂ
- પિતાની છત્રછાયા ગુમાવી હોવાં છતાં માતાએ દેશ સેવા માટે સેનામાં મોકલ્યો
- દેશ માટે કપિલ કુંડૂ, શુભમ કુમાર, રામઅવતાર અને રોશન લાલે આપ્યું સર્વોચ્ચ બલિદાન
નવી દિલ્હી, તા. 05 ફેબ્રુઆરી 2018, સોમવાર
દેશ માટે ખરા અર્થમાં હિરો સાબિત થયેલાં ચાર જવાનોએ દેશમાટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જેમાં કેપ્ટન કપિલ કુંડૂ પોતાના જન્મ દિવસના 6 દિવસ પહેલા શહિદ થયો છે.
23 વર્ષથી પણ નાની ઊંમરમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા કેપ્ટન કુંડૂ 'જીંદગી લંબી નહી, બડી હોની ચાહિએ' તે વાક્ય પર વિશ્વાસ ધરાવતા હતા. તેણે પોતાની ફેસબુક સ્ટેટસમાં આનંદ ફિલ્મનો આ ખૂબ પ્રખ્યાત ડાયલોગ રાખ્યો હતો ત્યારે ભારતના આ જવાને ખરાં અર્થમાં ખૂબ નાની વયે મોટી જીંદગી જીવ્યો છે.
કાશ્મીરના રજૌરીમાં સરહદ પર કેપ્ટન કુંડૂ અને અન્ય ત્રણ જવાનો શહિદ થયા છે. જેમાં શુભમ કુમાર, રામઅવતાર અને રોશન લાલનો સમાવેશ થાય છે. ભારતમાતાના આ ચાર સપૂતોએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જેમાં કેપ્ટન કપિલ કુંડૂ 6 દિવસબાદ પોતાનો 23મો જન્મ મનાવવાનો હતો. પરંતું તે પહેલા જ તે દેશ માટે શહીદ થયા છે. ગુરૂગ્રામમાં રહેતા કપિલ કુંડૂના પિતાની છત્રછાયા ગુમવી હોવા છતાં તેની માતાએ તેને દેશસેવા માટે સેનામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો, તેમને બે બહેનો પણ છે જેના લગ્ન થઇ ચૂક્યા છે. તેમની શહિદીના સમાચાર મળતા જ તેમના ઘર પર લોકો ઉમટ્યા છે.
પાકિસ્તાન તરફથી કરવામાં આવતા ફાયરીંગના જવાબમાં ભારતમાતાના આ ચાર સપૂતોએ પોતાના પ્રાણ આપ્યા હતા. આ અથડામણમાં ચાર જવાનો સહિત 17 લોકોના મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયાં છે. તેમજ એક જવાન ઘાયલ થયો હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે.