હજુ સુધી લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ ન મેળવનારાઓ સાવધાન, નહીં તો થશે આ નુકસાન
જો તમે નવા- નવા લગ્ન કર્યો છે તો તમારે 30 દિવસની અંદર લગ્ન પ્રમાણપત્ર માટે અરજી કરવાની હોય છે
લગ્ન નોંધણી માટે તમારે મેરેજ રજીસ્ટાર પાસે અરજી કરવાની હોય છે.
ભારતના બંધારણમાં લગ્ન નોંધણી માટે બે કાયદા અમલમાં છે. લગ્નની નોંધણી કરવા માટે 1955નો હિંદુ મેરેજ એક્ટ અને 1954નો સ્પેશિયલ મેરેજ એક્ટ બંનેનો ઉપયોગ થઈ શકે છે. આજે આ આર્ટિકલમાં ગુજરાતમાં લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે બનાવવું તેના વિશે માહિતી મેળવીએ. વર્તમાન સમયમાં લગ્ન કરનાર કોઈપણ વ્યક્તિ હવે મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
લગ્નનું રજીસ્ટ્રેશન કેટલા દિવસમાં કઢાવી લેવું જોઈએ
જો તમે નવા- નવા લગ્ન કર્યો છે તો તમારે 30 દિવસની અંદર લગ્ન પ્રમાણપત્ર માટે અરજી કરવાની હોય છે. જોકે, તેના માટે વધારાની ફી ભરીને પાંચ વર્ષ સુધી લગ્ન રજીસ્ટર્ડ કરાવી શકાય છે.
લગ્ન સર્ટિફિકેટ માટે ક્યાં અને કેવી રીતે અરજી કરશો
લગ્ન નોંધણી માટે તમારે મેરેજ રજીસ્ટાર પાસે અરજી કરવાની હોય છે. એપોઈન્ટમેન્ટ મળ્યા પછી જરુરી ડોક્યુમેન્ટ સાથે નક્કી કરેલી તારીખે રજીસ્ટાર પાસે જવાનું હોય છે. રાજ્યની સરકારી વેબસાઈટ પર ઓનલાઈન નોંધણી પણ કરાવી શકો છો.
મેરેજ સર્ટિફિકેટ બનાવવા માટે જરુરી દસ્તાવેજ
લગ્ન નોંધણી કરાવવા માટે તમારે બે સાક્ષીઓ સાથે અરજી ફોર્મ, એડ્રેસ પ્રુફ, જન્મનો પુરાવો (L.C) બે પાસપોર્ટ સાઈઝના ફોટા, લગ્નનો જોઈન્ટ ફોટો, લગ્નની આમંત્રણ પત્રિકા સહિતના પુરાવા આપવાના રહે છે.
લગ્ન સર્ટિફિકેટ કેમ જરુરી છે.
1. સરકારી અથવા ખાનગી ગમે ત્યાં નોકરી દરમિયાન લગ્ન બાબતે પુછવામાં આવે છે, તેમજ ફોર્મ ભરતી વખતે તેમાં જણાવવાનું હોય છે. લગ્નના પૂરાવા તરીકે લગ્ન પ્રમાણપત્ર બનાવવું જરુરી છે.
2. કેન્દ્ર અથવા રાજ્ય સરકારની પતિ-પત્ની માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, તેના માટે મેરેજ સર્ટિફિકેટની જરુર રહે છે. પતિના મૃત્યુ પછી પત્નીને સરકારી યોજનાનો લાભ આ લગ્ન પ્રમાણપત્રના આધારે જ મળે છે.
3. પતિ અથવા પત્ની સામે ઘરેલુ હિંસા સાથે જોડાયેલી FIR માટે મેરેજ સર્ટિફિકેટ જ આધાર માનવામાં આવે છે. છુટાછેડાની અરજી માટે પણ લગ્ન પ્રમાણપત્રની જરુર રહે છે.
4. ભારતમાંથી અન્ય કોઈ દેશમાં કાયમી ધોરણે નાગરિકતા લેવા લગ્ન સર્ટિફિકેટ બતાવવું જરુરી છે.
5. બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવા માટે લગ્નનું સર્ટિફિકેટનો આધાર આપવાનો હોય છે.