Get The App

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા 1 - image


Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ થંભવાનું નામ લઈ રહ્યો નથી. મનસે સહિતના અમુક રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા મુંબઈવાસીઓ પર મરાઠી ભાષા બોલવા દબાણ કરતાં મારામારીનો એકાદ કિસ્સો રોજબરોજ બની રહ્યો છે. હાલમાં જ મનસેના કાર્યકરોએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટ્સના ગુજરાતી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી નાખ્યા હતાં.

પાલઘર અને થાણેમાં મનસેના કાર્યકરોએ મરાઠી ભાષામાં સાઈન બોર્ડ મૂકવાની માગ કરતાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર  સ્થિત કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ તેમજ હોટલોના ગુજરાતી ભાષાના સાઈનબોર્ડ તોડી પાડ્યા હતાં. હાલોલી ગામ નજીક સ્થિત રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડ્યા હતાં. 

ડરના માર્યા સાઈનબોર્ડ ઢાંક્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદના કારણે સ્થિત વણસી રહી છે. મનસેના કાર્યકરોના મારપીટ અને ગુંડાગીરીથી લોકો ત્રસ્ત બન્યા છે. ઘણી રેસ્ટોરન્ટ અને હોટલ્સના માલિકોએ પોતાના મરાઠી સિવાય અન્ય ભાષામાં લખેલા સાઈનબોર્ડ કાળા કપડાં વડે ઢાંકી દીધા છે. 

ઉલ્લેખનીય છે, થોડા સમય પહેલાં જ મનસેના કાર્યકરો દ્વારા મુંબઈ અને થાણેમાં અંગ્રેજી ભાષામાં લગાવેલા સાઈનબોર્ડ તોડી પાડવામાં આવ્યા હતાં. તેઓએ રાજ્યના નિયમનનો હવાલો આપી આ કાર્યવાહી હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો. નિયમન મુજબ મહારાષ્ટ્રમાં વેપાર-ધંધો કરવા માટે મરાઠી ભાષામાં સ્પષ્ટપણે વંચાય તે રીતે સાઈનબોર્ડ લગાવવા અનિવાર્ય છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે મનસેના કાર્યકારો વિરૂદ્ધ કોઈ ફરિયાદ મળી ન હોવાથી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાઠિયાવાડી હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા 2 - image

Tags :