Coal Mine Collapses in West Bengal: પશ્ચિમ બંગાળના આસનસોલ જિલ્લાના કુલ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ની ખાણ ધસી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અનેક શ્રમિકો દટાઈ ગયા હોવાની આશંકા
આસનસોલના બોર્ડિલા વિસ્તારમાં BCCL ની ઓપન કાસ્ટ ખાણ આવેલી છે. અહીં ગેરકાયદે રીતે કોલસો કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે ખાણનો એક મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. પ્રાથમિક તપાસ પ્રમાણે, આ દુર્ઘટનામાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હોવાની ભીતિ છે. જોકે , હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક કે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.
ઘટનાની જાણ થતાં બચાવકાર્ય શરૂ
આ ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને BCCL ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેસીબી (JCB) મશીનો અને અન્ય ભારે સાધનોની મદદથી કાટમાળ હટાવવાની અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
આ કામગીરી સત્તાવાર નહોતી: BCCL
BCCL દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે આ ખાણમાં સત્તાવાર રીતે કોઈ કામગીરી ચાલી રહી નહોતી. આ ઘટના ગેરકાયદે ખનનને કારણે બની છે. બીજી તરફ, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


