હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા
Dharamshala Flood: હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરુઆતથી જ તબાહી જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. કુલ્લુ જિલ્લામાં ચાર જગ્યાએ વાદળ ફાટતાં ભારે તબાહી થઈ છે. ત્યારે કુલ્લુ બાદ હવે કાંગડાથી મોટા સમાચાર આવ્યા છે અને ત્યાં એક હાઇડ્રો પ્રોજેક્ટ નજીક ખડ્ડમાં ફ્લેશ ફ્લડ આવવાથી 15થી 20 શ્રમિક તણાઈ ગયા છે. ધર્મશાળાથી ભાજપના ધારાસભ્ય સુધીર શર્માએ તેની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી અનુસાર, ધર્મશાળાની નજીક ઇન્દિરા પ્રિયદર્શની હાઇડ્રલ પ્રોજેક્ટ, સોકણી દા કોટ(ખનિયારા)માં મણુણી ખડ્ડમાં પાણીનું વહેણ અચાનક વધવાથી લગભગ 15થી 20 શ્રમિક તણાઈ ગયા. આ તમામ ખટ્ટ કિનારે બનેલા શેડમાં રહેતા હતા. ચંબાના રહેવાસી શ્રમિક ધર્મેન્દ્રએ જણાવ્યું કે, બપોરે પાવર હાઉસના બ્રિજ નંબર 1ની નજીક આ ઘટના બની છે. તેમણે જણાવ્યું કે, બુધવાર બપોરે એક વાગ્યે અંદાજિત હવામાન સ્વચ્છ થઈ ગયું હતું અને ફરી એકાએક પલટો આવ્યો હતો. તેઓ પ્રોજેક્ટમાં બેલ્ડરનું કામ કરે છે.
ધર્મશાળાના ધારાસભ્ય સુધીર શર્માએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ અત્યંત દુઃખદ અને પીડાદાયક સમાચાર છે કે ઇન્દિરા પ્રિયદર્શની હાઇડ્રલ પ્રોજેક્ટ, સોકણી દા કોટ (ખનિયારા), ધર્મશાળામાં મણુણી ખડ્ડમાં ઘોડાપૂર આવતાં 15થી 20 શ્રમિક તણાઈ ગયા. આ તમામ ખડ્ડ કિનારે બનેલા શેડમાં રહેતા હતા. આવા દુઃખના સમયે અમે પીડિત પરિવારોની સાથે છીએ. ભગવાનને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. હાલ, કાંગડા તંત્રએ સર્ચ ઓપરેશન શરુ કર્યું છે.