થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું
Operation Sindoor Debate In Loksabha: ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં કોંગ્રેસ તરફથી સામેલ થતાં અટકાવવામાં આવતાં સાંસદ શશિ થરુર બાદ મનિષ તિવારીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ ચર્ચામાં એવા નેતાઓને ભાગ લેતાં અટકાવ્યા હતા, જેઓ વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જાગૃત્તિ ફેલાવનારા પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. પરંતુ સુત્રો અનુસાર, મનિષ તિવારી આ ચર્ચામાં ભાગ લેવા માગતાં હતા.
મનિષ તિવારીએ કટાક્ષ કર્યો
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનિષ તિવારીએ સોશિયલ મીડિયા પર x પર પૂરબ ઓર પશ્ચિમ(1970)નું પ્રચલિત દેશભક્તિ ગીત 'હૈ પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહને વાલા હું, ભારત કી બાત સુનાતા હું' પોસ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે, આ પ્રતિનિધિમંડળમાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર, ચંદીગઢ સાંસદ મનિષ તિવારી, ફતેહગઢ સાહિબના સાંસદ અમર સિંહ સામેલ હતાં. તદુપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને સલમાન ખુર્શીદ સામેલ હતાં.
કોંગ્રેસે આ કારણોસર ચર્ચાથી રાખ્યા દૂર
કોંગ્રેસના એક સાંસદે જણાવ્યા પ્રમાણે, વિપક્ષે ચર્ચા દરમિયાન સંસદમાં બોલવા માટે નવા સાંસદોની પસંદગી કરી હતી, કારણકે વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોએ સરકારના પક્ષમાં વાત કરી હતી. જેથી સદનમાં સરકારને સામે સવાલો કરી શકે તેવા લોકોની જરૂરિયાત સાથે આ સાંસદોને દૂર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, હવે વિપક્ષ અને ભારતના લોકોની ચિંતાઓને અવાજ આપવાનો સમય આવી ગયો છે, આથી પક્ષે સદનમાં બોલવા માટે નવા લોકોની પસંદગી કરી. નોંધ લેવી કે, કોંગ્રેસ પાર્ટી શરુઆતથી જ કેન્દ્રના 33 દેશો સુધી પહોંચવાના કાર્યક્રમની ટીકા કરી રહી છે.
તિવારી ચર્ચાનો હિસ્સો બનવા માગતા હતા
મીડિયા સૂત્રો અનુસાર, તિવારી આ ચર્ચાનો હિસ્સો બનવા માગતા હતા, તેમણે હેડ કમાન્ડને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો. જો કે, કોંગ્રેસે તેમને મંજૂરી આપી નથી. કોંગ્રેસના સાંસદ અમર સિંહને પણ આ ચર્ચામાં બોલવા દેવામાં આવ્યા ન હતા. કોંગ્રેસ માનતી હતી કે, જે લોકો વિદેશમાં જઈને ઓપરેશન સિંદૂરની વાહવાહી કરી આવ્યા છે, તેઓ આ ચર્ચામાં કાઉન્ટર પ્રશ્નો પૂછી શકશે નહીં.
થરુરે મૌન પસંદ કર્યું
લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લેનારા સાંસદોમાં થરુરનું નામ ન હોવા મુદ્દે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે સ્વેચ્છાએ આ ચર્ચામાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ જ્યારે થરુરને આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું 'મૌન વ્રત...મૌન વ્રત...' થરુરની પ્રતિનિધિમંડળમાં ઉપસ્થિતિથી કોંગ્રેસ નારાજ હતી.