FOLLOW US

‘દારુ, બસો, ક્લાસરૂમ કૌભાંડ...’ જાણો કેજરીવાલ સરકાર સામે કેટલા આરોપો ?

દિલ્હી સરકાર સામે નવી દારુ નીતિ ઉપરાંત DTC બસની ખરીદીમાં પણ કૌભાંડ કરવાનો આરોપ

તો AAP સરકારના આરોગ્યમંત્રી પણ મની લોન્ડરિંગ મામલે પહેલાથી જ જેલમાં, મસાજના વીડિયો પણ થયા હતા વાયરલ

Updated: Feb 26th, 2023

નવી દિલ્હી, તા.26 ફેબ્રુઆરી-2023, રવિવાર

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સતત આરોપોનો સામનો કરતી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રવિવારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની નવી દારૂની પોલિસી સાથે સંકળાયેલા સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મનીષ સિસોદિયાની 8 કલાક લાંબી પૂછપરછ બાદ CBI દ્વારા ધરપકડ કરાઈ હતી.  સિસોદિયાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. દિલ્હીની AAP સરકાર પર માત્ર દારૂ કૌભાંડનો જ આરોપ નહીં પરંતુ આ કૌભાંડ પહેલા ઘણા આરોપો કેજરીવાલ સરકાર પર લગાવાયા છે અને આ તમામ કેસોની હજુ તપાસ થઈ રહી છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે, દિલ્હી સરકાર પર કયા-કયા પ્રકારના આરોપો લાગી ચુક્યા છે.

નવી દારૂ નીતિ

દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021ના રોજ રાજ્યમાં નવી દારૂ નીતિ લાગુ કરી, જે હેઠળ પાટનગરમાં 32 ઝોન બનાવાયા હતા અને દરેક ઝોનમાં મહત્તમ 27 દુકાનો ખોલવાની હતી. આ રીતે કુલ 849 દુકાનો ખોલવાની હતી. નવી દારૂની નીતિમાં દિલ્હીની તમામ દારૂની દુકાનોને પ્રાઈવેટ કરવામાં આવી. અગાઉ દિલ્હીમાં દારૂની 60 ટકા દુકાનો સરકારી અને 40 ટકા પ્રાઈવેટ હતી. નવી નીતિના અમલ બાદ તમામ દુકાનો 100 ટકા પ્રાઈવેટ થઈ ગઈ. તે દરમિયાન સરકારે દલીલ કરી હતી કે, તેનાથી રૂ.3,500 કરોડનો ફાયદો થશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પોતે આ મામલે ફસાયા. CBIએ તેમના ઘરે પણ દરોડા પાડ્યા છે. આજે તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી.

DTC બસની ખરીદીનો આરોપ

દિલ્હીના ઉપ રાજ્યપાલ વી.કે.સકસેનાની ઓફિસમાં ગત વર્ષે ફરિયાદ આવી હતી. આ ફરિયાદમાં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે ડીટીસી દ્વારા એક હજાર લો-ફ્લોર બસોની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપો કરાયા હતા. જ્યારે આ મામલામાં વિવાદ વધ્યો ત્યારે મુખ્ય સચિવે તપાસ કરાવી. આ મામલામાં અનિયમિતતા જાણવા મળતા મુખ્ય સચિવે ઉપ રાજ્યપાલેને CBI દ્વારા તપાસ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને ઉપ રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.

શૌચાલયને વર્ગખંડ તરીકે દર્શાવ્યાનો આરોપ

દિલ્હી સરકાર પર ત્રીજો આરોપ સ્કુલ અંગેનો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આરોપ લગાવ્યો હતો કે, દિલ્હીની શાળાઓમાંથી પૈસા કમાવવા માટે કેજરીવાલની સરકારે કૌભાંડ આચર્યું છે. દિલ્હીની શાળાઓમાં 2400 રૂમની જરૂર હતી, પરંતુ તેને વધારી 7180 રૂમ કરવામાં આવ્યા. બાંધકામની રકમ 50થી વધારીને 90 ટકા કરાઈ. AAPએ પણ આ આરોપને નકારી કાઢી કહ્યું હતું કે, દિલ્હીની સ્કૂલ મોડલનો ડંકો વિશ્વભરમાં વાગી રહ્યો છે, જે ભાજપને ગમી રહ્યું નથી, તેથી તેઓ આવા ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

મની લોન્ડરિંગ મામલે આરોગ્ય મંત્રી પહેલાથી જ જેલમાં

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગના આરોપમાં ગત 30મી મેથી જેલમાં છે. તેમના પર આરોપ છે કે, તેમણે ખોટી રીતે ખેતીની જમીન પણ ખરીદી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. જોકે CM કેજરીવાલ સતત સત્યેન્દ્ર જૈનને ઈમાનદાર કહી રહ્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે જૈન વિરુદ્ધ આરોપો લગાવાયા છે. કેજરીવાલ સરકાર પર સત્યેન્દ્ર જૈનને જેલમાં જ વિશેષ સુવિધાઓ આપવાનો આરોપ પણ લાગી ચુક્યો છે, જે અંગેના જેલના કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં સત્યેન્દ્ર જૈનનો મસાજ કરતો વીડિયો જોવા મળી રહ્યો છે.

જાસૂસી કેસમાં પણ મનીષ સિસોદિયા સામેલ

વર્ષ 2015માં જ્યારે દિલ્હીમાં AAP સરકાર બની અને કેજરીવાલ CM બન્યા, ત્યારે દિલ્હી સરકારે ફીડબેક યુનિટ (FBU)ની સ્થાપના કરી હતી. આ FBUનું કામ વિભાગો, સંસ્થાઓ, સ્વતંત્ર સંસ્થાઓ પર ધ્યાન આપવાનું અને અહીં કામકાજ પર અસરકારક ફીડબેક આપવાનો હતો, જેના કારણે જરૂરી સુધારાઓ કરી શકાય. જોકે આ ફીડબેક યુનિટ દિલ્હી સરકારના ઈશારે વિપક્ષી પક્ષોના નેતાઓની જાસૂસી કરતો હોવાનો આરોપ લગાવાયો હતો. ઘણા નેતાઓના કામકાજ પર નજર રખાઈ... વર્ષ 2016માં વિજિલન્સ વિભાગમાં કામ કરતા એક અધિકારીએ CBIને ફરિયાદ કરી હતી. ત્યારબાદ CBIએ ખાનગી રાહે મામલાની તપાસ શરૂ કરી. 12 જાન્યુઆરી 2023ના રોજ CBIએ વિજિલન્સ વિભાગમાં રિપોર્ટ નોંધાવ્યો. એજન્સીએ ઉપ-રાજ્યપાલ વી.કે.સક્સેનાને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે કેસ નોંધવા માંગ કરી હતી. CBIએ 2016માં વિજિલન્સ ડિરેક્ટર રહેલા સુકેશ કુમાર જૈન અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી માંગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સક્સેનાએ આ મામલો હવે રાષ્ટ્રપતિને મોકલી દીધો છે.

Gujarat
IPL-2023
Magazines