મણિપુરમાં ભારેલો અગ્નિ: શાંતિ મંત્રણા માટે જતા 3 કુકી ધર્મગુરુની ગોળી મારી હત્યા, નેશનલ હાઈવે 2 ચક્કાજામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kuki Baptist Church Leaders Killed in Manipur Ambush: મણિપુરમાં ચાલી રહેલા વંશીય સંઘર્ષની વચ્ચે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. કાંગપોકપી જિલ્લામાં શાંતિ અને સમાધાનના ઉમદા હેતુ માટે કાર્યરત ત્રણ કુકી ખ્રિસ્તી ધર્મગુરુ પર ઘાતકી હુમલો કરાયો છે. આ હુમલામાં સ્થાનિક સ્તરે જાણીતા અને લોકપ્રિય રેવરેન્ડ વી. સીતલ્હૌ (Rev V Sitlhou) સહિત ત્રણ વરિષ્ઠ (ધાર્મિક) નેતાઓએ પણ જીવ ગુમાવ્યા છે.
થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન વિવિધ સમુદાય વચ્ચે સમાધાન માટે પ્રયાસરત છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર, થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન (TBA) અને યુનાઇટેડ બેપ્ટિસ્ટ કાઉન્સિલ (UBC) ના પ્રતિનિધિઓ ચુરાચાંદપુરથી કાંગપોકપી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ નાગાલેન્ડમાં આયોજિત શાંતિ મંત્રણામાં હાજરી આપવા ગયા હતા. આ ધર્મગુરુઓ અહીંના વિવિધ સમુદાય વચ્ચે સુમેળ સ્થાપવાના પ્રયાસોમાં જોડાયેલા હતા. આ દરમિયાન રસ્તામાં સશસ્ત્ર હુમલાખોરોએ તેમના વાહનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પાંચ અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
ખોટી ઓળખના કારણે હત્યાનો સોશિયલ મીડિયામાં દાવો
આ ઘટના બાદ ‘કુકી ચર્ચના ત્રણ ધર્મગુરુની હત્યા’ થઈ હોવાના અનેક અહેવાલો પ્રસારિત થયા હતા. જો કે, સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ દાવો કર્યો છે કે, મણિપુરમાં ખોટી ઓળખને કારણે, થાદુ લોકોએ ભારે કિંમત ચૂકવી છે અને તેઓ મણિપુરમાં તમામ બાજુથી ચાલી રહેલી વંશીય હિંસાના સૌથી ખરાબ ભોગ બન્યા છે. થાદુ એ કુકી નથી પરંતુ અલગ છે. થાદુ બેપ્ટિસ્ટ એસોસિએશન (TBA) એ કુકી ક્રિશ્ચિયન લીડર્સ ફોરમ (KCLF), કુકી બેપ્ટિસ્ટ કન્વેન્શન (KBC) કે કુકી ક્રિશ્ચિયન ચર્ચ (KCC)નો હિસ્સો નથી.
ભૂતકાળ અને વર્તમાનનો સંદર્ભ
મણિપુરમાં મે 2023 શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાઉ પણ ધાર્મિક સ્થાનો અને નેતાઓને નિશાન બનાવવાની ઘટનાઓ બની છે. હાલની ઘટનાએ વર્ષ 2023ની યાદો તાજી કરી દીધી છે, જેમાં મણિપુરના વિવિધ વિસ્તારોમાં ચર્ચ પર હુમલા થયા હતા. કુકી સંગઠનોએ આ ઘટનાને 'પૂર્વાયોજિત ષડયંત્ર' ગણાવ્યું છે. તેમનો આરોપ છે કે આ હુમલો શાંતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે કરાયો છે.
આ પણ વાંચો : '...તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે', હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી
મણિપુરની સ્થિતિ અને વિવિધ પ્રતિક્રિયા
આ હત્યાકાંડના વિરોધમાં કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (KSO) એ તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદ્દત માટે બંધનું એલાન આપ્યું છે. મણિપુરની જીવાદોરી સમાન ગણાતા નેશનલ હાઈવે 2 પર પણ ચક્કાજામના અહેવાલ છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. કુકી ઇનપી મણિપુરે કેન્દ્ર સરકાર પાસે આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે.
આ ઘટનાને લોકશાહી અને માનવતા માટે કલંક સમાન
આ અંગે સ્થાનિક નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જ્યારે ધર્મગુરુઓ સમાજમાં શાંતિ સ્થાપવા નીકળ્યા હોય ત્યારે તેમની હત્યા કરવી એ લોકશાહી અને માનવતા માટે કલંક સમાન છે. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ છે અને સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
કુકી અને થાદુ ચર્ચ વચ્ચે શું ફરક છે?
મણિપુરમાં કેટલાક લોકોનો એવો મત છે કે, કુદી અને થાદુ ચર્ચ જુદા છે. થાદુ એક જુદી માન્યતા પ્રાપ્ત જન જાતિ અને ભાષા છે, જે પોતાની આગવી ઓળખ ધરાવે છે. જ્યારે કુકી એ એક વ્યાપક શબ્દ છે, જેમાં થાદુ સહિતની વિવિધ જન જાતિઓ સામેલ છે. ઐતિહાસિક રીતે એક જૂથ હોવા છતાં આજે થાદુ ઇનપી (Thadou Inpi) જેવા જૂથો થાદુ અલગ સંસ્કૃતિ અને ઓળખનો દાવો કરે છે. તેમનો દાવો છે કે, ‘થાદુ એ કુકી નથી.’









