મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, બે જવાને શહીદ, ત્રણ ઘાયલ
Assam Rifles Convoy Targeted in Manipur : મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવાર 19 સપ્ટેમ્બરે સાંજે સુરક્ષાદળો પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. સાંજે 5.50 વાગ્યે નમ્બોલ સબાલ લાઈકાઈ વિસ્તાર પાસે ભીડભાડ વાળી જગ્યાએ અજ્ઞાત હુમલાખોરોએ આસામ રાઈફલ્સના સુરક્ષાકર્મીઓના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે જવાન શહીદ થઈ ગયા અને ઓછામાં ઓછા ત્રણ જવાન ઘાયલ થયા છે. સુરક્ષાકર્મીઓનો કાફલો ઈમ્ફાલથી બિષ્ણુપુર જઈ રહ્યો હતો.
એક JCO અને એક જવાને શહીદી વહોરી
ફાયરિંગની ઘટનામાં ભારતે બે વીર સપૂત ગુમાવ્યા છે. આસામ રાઈફલ્સના એક JCO અને એક જવાને શહીદી વહોરી છે. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે તથા આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
સર્ચ ઓપરેશન શરૂ
આતંકવાદીઓ એક સફેદ વાનમાં સવાર થઈને ભાગી ગયા. જવાનોએ સંયમ રાખીને જવાબી કાર્યવાહી કરી, જેથી કોઈ નાગરિકને ઈજા ન પહોંચે. સુરક્ષા દળે હુમલો કરનારા આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી દીધી છે. હાલ તો હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી પરંતુ તેમને શોધવા માટે આસામ રાઈફલ્સના જવાનો તથા સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ પહેલેથી જ પ્લાનિંગ સાથે હુમલો કર્યો હતો. આ સિવાય જવાનોની સુરક્ષામાં કોઈ ચૂક થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા વધારવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
રાજ્યપાલની નિંદા કરી
મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આ હુમલાની સખત નિંદા કરી. રાજભવન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની રક્ષા કરતી વખતે આસામ રાઇફલ્સના બે બહાદુર સૈનિકો શહીદ થયા. રાજ્યપાલે શહીદોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે આવા જઘન્ય હુમલાઓને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહનું નિવેદન
મણિપુરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પણ આ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું, '33મી આસામ રાઇફલ્સના આપણા બહાદુર સૈનિકો પર હુમલો દુ:ખદ છે. બે સૈનિકોની શહાદત અને અન્ય ઘાયલ થવાના સમાચાર ખૂબ જ આઘાતજનક છે. શહીદોની હિંમત અને બલિદાન હંમેશા યાદ રહેશે. ગુનેગારોને કડક સજા મળવી જોઈએ.'
એવું માનવામાં આવે છે કે આ હુમલો કોઈ મોટા ષડયંત્રનું પરિણામ હોઈ શકે છે. તપાસ એ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે શું આસામ રાઇફલ્સના કાફલાના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી હતી.