Get The App

'હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..' મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
Mani Shankar Aiyar Slams Hindutva


(IMAGE - IANS)

Mani Shankar Aiyar Slams Hindutva: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે રવિવારે 'કોલકાતા ડિબેટિંગ સર્કલ' દ્વારા આયોજિત એક ચર્ચામાં ભાગ લીધો હતો. 'હિન્દુત્વથી હિન્દુ ધર્મને સુરક્ષાની જરૂર છે' વિષય પર બોલતાં અય્યરે હિન્દુત્વને એક રાજકીય વિચારધારા ગણાવી તેની આકરી ટીકા કરી હતી.

'80% હિન્દુઓને 14% મુસ્લિમોથી ડરાવવામાં આવે છે'

મણિશંકર અય્યરે કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'હિન્દુત્વ એ વાસ્તવમાં હિન્દુ ધર્મ નથી પણ એક 'પેરુનોઇયા'(ડરની માનસિકતા) છે. જ્યાં 80% હિન્દુઓને 14% મુસ્લિમો સામે ડરવા માટે મજબૂર કરવામાં આવે છે. જેમાં એક ભાજપ નેતા એક અંધ, ભૂખી આદિવાસી છોકરીને થપ્પડ મારે છે, કારણ કે તે ચર્ચમાં ક્રિસમસ લંચમાં હાજરી આપે છે. તેમજ શોપિંગ મોલ્સમાં જઈને ક્રિસમસની સજાવટ તોડવી એ બધુ હિન્દુત્વના નામે થઈ રહ્યું છે.'

હિન્દુ ધર્મ VS હિન્દુત્વ: અય્યરની દલીલો

મણિશંકર અય્યરે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેનો પાયાનો તફાવત સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, 'હિન્દુ ધર્મ એ હજારો વર્ષ જૂનો, મહાન અને ગહન આધ્યાત્મિક વારસો ધરાવતો ધર્મ છે, જ્યારે હિન્દુત્વ એ માત્ર 1923માં અસ્તિત્વમાં આવેલી એક અર્વાચીન રાજકીય વિચારધારા છે.' તેમણે ભારપૂર્વક કહ્યું કે, 'હિન્દુ ધર્મએ સદીઓથી અનેક પડકારો અને મુશ્કેલીઓનો સફળતાપૂર્વક સામનો કર્યો છે અને તે હંમેશા સુરક્ષિત રહ્યો છે, તેથી તેને બચાવવા માટે હિન્દુત્વ જેવી કોઈ અલગ સુરક્ષા કે રક્ષણની ક્યારેય જરૂર નહોતી. મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવો દ્વારા પ્રસ્તુત ઉદાર અને સર્વસમાવેશી હિન્દુ ધર્મને સાવરકરના હિન્દુત્વવાદી વિચારો દ્વારા ક્યારેય પ્રોત્સાહન આપી શકાય નહીં અથવા તેની સાથે જોડી શકાય નહીં.'

વીર સાવરકર અને અહિંસા પર ટિપ્પણી

વીર સાવરકરનો ઉલ્લેખ કરતાં અય્યરે દાવો કર્યો કે, 'સાવરકરે બૌદ્ધ ધર્મને હિન્દુઓ માટે ખતરો ગણાવ્યો હતો કારણ કે તેમાં અહિંસા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મ હજારો વર્ષ જૂનો છે જે સાવરકરના હિન્દુત્વ વગર પણ સમૃદ્ધ અને મજબૂત છે. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદનો હિન્દુ ધર્મ અહિંસા પર આધારિત છે, જ્યારે સાવરકરનું હિન્દુત્વ હિંસાને ઓળખ માને છે.'

આ પણ વાંચો: Explainer: POCSOમાં 'રોમિયો-જુલિયેટ' કલમ ઉમેરવા કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ભલામણ, જાણો શું છે કારણ

ભાજપનો વળતો પ્રહાર: 'હિન્દુત્વ એ જ હિન્દુ તત્ત્વ'

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ અય્યરના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતાં સવાલ કર્યો કે, 'માત્ર ભારતીય ધર્મો સાથે જ 'વાદ'(Ism) કેમ જોડવામાં આવે છે? હિન્દુત્વ એટલે 'હિન્દુ તત્વ'. જ્યારે તમે હિન્દુ ધર્મનું પાલન કરો છો, ત્યારે જ તેને હિન્દુત્વ કહેવાય છે.'

બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ વારંવાર સનાતન ધર્મનું અપમાન કરી રહી છે. તેમણે કહ્યું, 'અય્યરનું નિવેદન એવું જ છે કે જાણે માતા અને માતૃત્વ અલગ હોય. સુપ્રીમ કોર્ટે પણ હિન્દુત્વને જીવન જીવવાની એક રીત ગણાવી છે, છતાં કોંગ્રેસ તેને ISIS જેવી આતંકી સંસ્થાઓ સાથે સરખાવી રહી છે.'

'હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો..' મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન 2 - image