કેરળમાં મોકડ્રિલ દરમિયાન વ્યક્તિનું ડૂબી જવાથી મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
માનવાધિકાર કાર્યકર્તાએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કરી માંગ
અમદાવાદ, 31 ડિસેમ્બર 2022, શનિવાર
કેરળ સરકારે ગઈકાલે પથાનમથિટ્ટામાં નદીમાં આયોજિત 'મોક ડ્રીલ'માં ભાગ લેતી વખતે એક વ્યક્તિના મોત અંગે વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો. સીએમ કાર્યાલયના એક નિવેદન મુજબ સીએમ પિનરાઈ વિજયને આ બાબતે મુખ્ય સચિવ વીપી જોયને આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આપી છે. સીએમના નિર્દેશ પર પથાનમથિટ્ટા ડીએમ દિવ્યા એસ ઐયરે પણ ઘટના અંગે પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દીધો છે.
ગુરુવારે એક મોકડ્રિલનું આયોજન કર્યુ હતું
આ અગાઉ પૂરનો સામનો કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગુરુવારે અહીં એક મોકડ્રિલનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન બિનુ સોમન (34) નામનો વ્યક્તિ ઝવાઈપુર પાસે મનીમાલા નદીમાં ડૂબતો જોવા મળ્યો હતો. તે આ મોકડ્રિલમાં સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. જો કે, બિનુ સોમનને બહાર કાઢ્યા બાદ તિરુવાલાની ખાનગી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યુ હતું.
માનવ અધિકાર પંચે કેસ નોંધ્યો
આ મૃત્યુ બાદ વિપક્ષી પાર્ટીઓ સિવાય ઘણી NGOએ પણ સરકારની આકરી ટીકા કરી હતી. કેરળ રાજ્ય માનવાધિકાર આયોગએ ઘટનાના સંબંધમાં કેસ નોંધ્યો અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને ડીએમ પાસેથી સંપૂર્ણ અહેવાલ માંગ્યો હતો. આયોગે માનવાધિકાર કાર્યકર્તાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. આ મામલે ફરિયાદીનો આરોપ છે કે જો બચાવકર્મીઓ સમયસર પહોંચી ગયા હોત તો બિનુ સોમનનો જીવ બચાવી શકાયો હોત અને આજે તે જીવીત હોત.
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ
માનવાધિકાર કાર્યકર્તાએ જણાવ્યું હતું કે કોઈપણ સાવચેતી વિના હાથ ધરવામાં આવેલી આ મોકડ્રીલમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને સોમનના દુઃખદ મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ. KSHRC સદસ્ય વીકે બીના કુમારીએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા અને પથનમથિટ્ટાના ડીએમને દુર્ઘટના તરફ દોરી જતા સંજોગોની તપાસ કર્યા પછી આગામી 15 દિવસમાં ખુલાસો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ અંગે રિપોર્ટ મળ્યા બાદ કમિશન આગળની કાર્યવાહી કરશે.