'શું દરેક બંગાળી બોલનારાને જેલમાં ધકેલી દેશો?' બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે મમતા બેનર્જીની પગપાળા કૂચ
Mamata Banerjee's Foot March : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારે વરસાદ વચ્ચે કોલકાતામાં બંગાળી પ્રવાસીઓના 'ઉત્પીડન' મામલે પગપાળા કૂચ કરીને વિરોધ નોંધાવ્યો છે. મમતા બેનર્જીએ આજે બુધવારે (16 જુલાઈ) ભાજપ શાસિત રાજ્યોમાં બંગાળી ભાષી લોકો સાથે કથિત રીતે ઉત્પીડનના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
કોલકાતામાં નીકળેલા વિરોધ પ્રદર્શનમાં રાજ્યની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની એકતા પણ જોવા મળી હતી. આ કૂચમાં મમતા બેનર્જી સાથે અભિષેક બેનર્જી અને પાર્ટીના તમામ મોટી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શું કહ્યું?
કોલકાતાના રસ્તા પર ત્રણ કિલોમીટર લાંબી કૂચ દરમિયાન મમતા બેનર્જી અને વિરોધ સામેલ તમામ લોકોએ ભાજપ વિરોધમાં નારેબાજી કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રીય સરકારને પડકારતા કહ્યું કે, 'મે નક્કી કર્યુ છે કે હું વધારે બંગાળીમાં બોલીશ. મને ડિટેન્શન કેમ્પમાં નાખો. ભાજપ, ખેલ ખતમ થઈ ગયો. બસ હવે રાહ જુઓ.'
મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો આરોપ
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, 'ભાજપ સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરીને તેમને અટકાયત શિબિરોમાં રાખવા જોઈએ. આ નોટિફિકેશન તમામ ભાજપ શાસક રાજ્યોમાં મોકલવામાં આવી હતી. અમે આ નોટિફિકેશનને અદાલતમાં પડકારીશું. શું તમે દરેક બંગાળી બોલનારાને જેલમાં નાખશો?'
તેમણે કહ્યું કે, 'ભાજપ તમામ બંગાળી ભાષી લોકોને બાંગ્લાદેશી રોહિંગ્યા કહે છે. રોહિંગ્યા મ્યાન્મારમાં રહે છે. આ પશ્ચિમ બંગાળના બધા નાગરિકો પાસે ઓળખપત્ર છે. બંગાળથી બહાર ગયેલા લોકો તેમની આવડતના લીધે બહાર ગયા છે. જે પણ બંગાળી બોલે છે, એમને જેલમાં નાખી દેવામાં આવી છે. કેમ? શું પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ નથી?'