જાતિ આધારિત વસતી ગણતરી માટે કોંગ્રેસની ત્રણ માગ, અનામતમાં 50 ટકા મર્યાદા દૂર કરવા કરી અપીલ
Mallikarjun Kharge 3 Demands On Caste Census: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જાતિગત વસતી ગણતરી સંદર્ભે ત્રણ માગ રજૂ કરી છે. જેમાં ટોચની માગ અનામતની 50 ટકા મર્યાદા દૂર કરવાની છે. ખડગેએ તેલંગાણામાં થયેલા જાતિગત સર્વે મુજબ વસતી ગણતરી કરવા પણ ભલામણ કરી છે.
મલ્લિકાર્જૂન ખડગેએ પત્રમાં PMને અપીલ કરી હતી કે, જાતિગત વસતી ગણતરીના વિષય પર તમામ રાજકીય પક્ષો સાથે ઝડપથી વાતચીત કરવામાં આવે અને આ મામલે તેલંગાણા મોડલનો ઉપયોગ કરવામાં આવે. રાજ્યો તરફથી આપવામાં આવેલી અનામતને તમિલનાડુની જેમ બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરવી જોઈએ, અનામત પરની 50 ટકા મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેના રોજ જારી ખડગેનો આ પત્ર પોતાના X હેન્ડલ પર શેર કર્યો હતો.
પહલગામ હુમલા વચ્ચે પીએમ મોદીનો અચાનક યુટર્ન
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ખડગેનો 5 મેનો પત્ર તેમના X હેન્ડલ પર શેર કરતાં કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન સમક્ષ જાતિગત વસતી ગણતરીની માગ સાથે 16 એપ્રિલ, 2023ના રોજ પત્ર લખ્યો હતો. ગઈકાલે ફરી PM ને પત્ર લખ્યો હતો. જ્યારે આખો દેશ પહલગામ હુમલાના શોકમાં છે, ત્યારે અચાનક આપણા વડાપ્રધાને જાતિગત વસતી ગણતરીની જાહેરાત કરતો યુટર્ન લીધો હતો અમારી મુખ્ય મા જાતિગત વસતી ગણતરીનો યોગ્ય ડ્રાફ્ટ તૈયાર કરાવવાની છે. તેમજ અનામત પર 50 ટકા મર્યાદા દૂર કરવી. અમને આશા છે કે, PM જાતિગત વસતીગણતરી માટે તમામ પક્ષો સાથે બેઠક કરશે.
કોંગ્રેસની પહેલેથી જ માગ
ખડગેએ પત્રમાં લખ્યું હતું કે, મેં 16 એપ્રિલ, 2023ના રોજ તમને એક પત્ર લખ્યો હતો, જેમાં જાતિગત વસતી ગણતરી કરાવવાની કોંગ્રેસની માગ રજૂ કરવામાં આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ તમે કોઈ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ તમારા પક્ષના નેતાઓ અને તમે પોતે આ યોગ્ય માગનો વિરોધ કરતાં કોંગ્રેસ અને તેના નેતૃત્વ પર પ્રહારો કરતાં રહ્યા. હવે તમે પોતે જ સ્વીકાર્યું છે કે, આ માગ સામાજિક ન્યાય અને સશક્તિકરણના હિતમાં છે.
તેલંગાણા મોડલ અપનાવોઃ ખડગે
પત્રમાં ખડગેએ જાતિગત વસતીગણતરી મુદ્દે તેલંગાણાનું મોડલ અપનાવવા અપીલ કરી છે કે, જાતિગત વસતી ગણતરી સંબંધિત પ્રશ્નાવલીની ડિઝાઈન અત્યંત મહત્ત્વની છે. જાતિ સંબંધિત માહિતી માત્ર ગણતરીના આધારે નહીં, પરંતુ વ્યાપક સામાજિક-આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા એકત્ર કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે જાતિગત વસતી ગણતરીમાં પૂછવામાં આવતાં પ્રશ્નો માટે તેલંગાણા મોડલ અપનાવવું જોઈએ. જેમાં રિપોર્ટમાં તમામ વિગતોને આવરી લેવામાં આવી છે. જેથી જાતિના સંપૂર્ણ સામાજિક-આર્થિક આંકડાઓ જાહેર થાય.
અનામતમાં 50 ટકાની મર્યાદા દૂર કરો
કોંગ્રેસ અધ્યક્ષે આગળ કહ્યું કે, 'જાતિગત વસતી ગણતરીના પરિણામો ગમે તે હોય, તે સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત પર 50 ટકાની મનસ્વી મહત્તમ મર્યાદા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવી પડશે. ભારતીય બંધારણમાં કલમ 15(5) 20 જાન્યુઆરી, 2006 ના રોજ સામેલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. લાંબા વિચાર-વિમર્શ પછી સુપ્રીમ કોર્ટે 29 જાન્યુઆરી 2014ના રોજ તેને માન્ય રાખી હતી. આ નિર્ણય 2014 ની લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં આવ્યો હતો. તેમના મતે, તે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે અનામતની જોગવાઈ કરે છે.