રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી
JP Nadda And Kharge In Rajyasabha: રાજ્યસભામાં આજે મંગળવારે ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતાં. નડ્ડાએ ખડગે પર નિશાન સાધતા કહ્યું કે, નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા છે, પક્ષ અને દેશ માટે ગૌરવનો વિષય છે. પરંતુ તમે પક્ષ સાથે એટલા જોડાઈ ગયા છો, કે, પોતાના દેશની જ ગોર ખોદી રહ્યા છે. માનસિક સંતુલન ગુમાવી તમે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.
માનસિક સંતુલન ગુમાવી...
કેન્દ્રીય મંત્રી નડ્ડાએ જણાવ્યું કે, ખડગેજી તમે પોતાના પદ અનુસાર, શબ્દોનો ઉપયોગ કરી રહ્યા નથી. હું ઈચ્છું છું કે, તમે આ પ્રકારના (તુચ્છ) શબ્દોને દૂર કરો. તમે એક વરિષ્ઠ નેતા છો, પરંતુ જે રીતે તમે વડાપ્રધાન પર ટીપ્પણી કરી રહ્યા છો, મને દુઃખ થાય છે. તમે 11 વર્ષથી વિપક્ષમાં બેઠા છો, અને પીએમ મોદી વિશ્વમાં લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. નડ્ડાએ આગળ જણાવ્યું કે, આપણે તમામે ગર્વ અનુભવવો જોઈએ. પરંતુ તમારી પક્ષની ગતિવિધિઓ એટલી વ્યસ્ત છે કે, તમારા માટે રાષ્ટ્રનો મુદ્દો શૂન્ય બન્યો છે. તમે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યા બાદ પીએમ મોદી માટે અસંસદીય શબ્દ બોલો છો.
વિપક્ષના હોબાળાથી નડ્ડાએ શબ્દો પાછા ખેંચ્યાં
જેપી નડ્ડાના આ નિવેદન બાદ વિપક્ષ સાંસદોએ હોબાળો શરૂ કર્યો હતો. હોબાળો વધતા નડ્ડાએ કહ્યું કે, હું મારા શબ્દો પાછા લઉ છું. માનસિક અસંતુલનને રેકોર્ડમાં લાગણીના વશમાં કરી નાખો. મારા શબ્દોને બદલવા વિનંતી કરૂ છું. નડ્ડાએ શબ્દો પાછા લીધા હોવા છતાં હોબાળો થંભ્યો ન હતો. તેમના પક્ષ અને તેમના નેતૃત્વ સાથે આ શબ્દો મેળ ખાઈ રહ્યા ન હોવાથી તમે તે શબ્દોને રેકોર્ડમાંથી દૂર કરો.
નડ્ડાના નિવેદન પર ખડગે ભડકી ઉઠ્યા
જેપી નડ્ડાના નિવેદન બાદ ખડગે ભડકી ઉઠ્યા હતાં. તેમણે કહ્યું કે, હું નડ્ડા સાહેબનો આદર કરુ છું, રાજનાથ સિંહ અને નડ્ડા સાહેબ એવા મંત્રી છે, જે પોતાનું સંતુલન ગુમાવ્યા વિના વાત કરે છે. પરંતુ આજે તે મને મેન્ટલ કહી રહ્યા છે. જે અત્યંત શરમજનક છે. તેમણે માફી માગવી જોઈએ. હું તેમને છોડીશ નહીં.
નડ્ડાએ માગી માફી
ખડગેના ઉગ્ર સ્વરૂપને જોતાં નડ્ડાએ ફરી એકવાર કહ્યું કે, હું મારા શબ્દો પરત લેવા કહી રહ્યો છું. તમારી લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હું માફી માગુ છું. પરંતુ તમે લાગણીના આવેશમાં વડાપ્રધાનની ગરિમાનું ધ્યાન રાખવાનું ભૂલી જાવ છો. તેનુ તમારે ધ્યાન રાખવુ જોઈએ.