બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, છ ડબ્બા પાટા પરથી ઉતર્યા, ચારના મોત 100 થી વધુ ઘાયલ
રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
train accident in Bihar : બિહારથી એક મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12506 માં દુર્ઘટના સર્જાઈ છે. આજે રાતે લગભગ 9.45 વાગ્યે દાનાપુર-બક્સર રેલ્વે સેક્શન પર રઘુનાથપુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેન પાટા પરથી ઉતારી જતા દુર્ઘટના થઇ હતી.
અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ
દુર્ઘટનાની માહિતી મળતાં જ ડુમરાઓના SDO કુમાર પંકજ અને બ્રહ્મપુર પોલીસ સ્ટેશન રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. રેલ્વે સૂત્રોએ જણાવ્યું હતું કે, રઘુનાથપુર રેલ્વે સ્ટેશન પાસે પોઈન્ટ બદલતી વખતે ટ્રેનમાં જોરદાર આંચકા અનુભવાયો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, રઘુનાથપુર પશ્ચિમ ગુમતી નજીક જોરદાર અવાજ સાથે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી અને પલટી ગયા. થોડી જ વારમાં ડબ્બામાં પેસેન્જરોની ચીસો સંભળાઈ. આ મામલે તરત જ ગામ લોકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી અને રેલવેના અધિકારીઓ પણ દુર્ઘટનાની જાણ થતા તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
100 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ
અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. એક ડબ્બો બીજા ડબ્બા પર ચડી જતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. કુલ 100 મુસાફરો ઘાયલ થયા છે. જો કે, કેટલા મુસાફરોના મોત થયા અને કેટલા ઘાયલ થયા તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રેલ્વે અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે.
રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
- પટના - 9771449971
- દાનાપુર - 8905697493
- આરા - 8306182542
- કંટ્રોલ નંબર – 7759070004