બિહાર ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોંગ્રેસને ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રી શકીલ અહેમદનું રાજીનામું

Shakeel Ahmad Resign From Party News : બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું અને જણાવ્યું કે તેમણે આ નિર્ણય "ભારે હૃદયે" લીધો છે.
રાજીનામું આપ્યું, પણ વિચારધારા નહીં છોડી
પોતાના રાજીનામા પત્રમાં ડૉ. શકીલ અહમદે એક ભાવુક વાત લખી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે કહ્યું, "હું આજે પણ કોંગ્રેસની વિચારધારા અને સિદ્ધાંતોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. મારા રાજીનામાનો અર્થ એ નથી કે હું કોઈ અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યો છું... મારા જીવનનો છેલ્લો વોટ પણ કોંગ્રેસને જ જશે."
શા માટે આપ્યું રાજીનામું?
ડૉ. શકીલ અહમદના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ બિહાર કોંગ્રેસ એકમમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને રાજ્યના નેતૃત્વ પ્રત્યેનો અસંતોષ માનવામાં આવે છે. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા કેટલાક સમયથી સંગઠનમાં પોતાની સતત ઉપેક્ષાથી નારાજ હતા.
શકીલ અહમદની રાજકીય સફર
બિહારના મધુબની સાથે સંબંધ ધરાવતા ડૉ. શકીલ અહમદ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય (1985-2004) અને બે વખત સાંસદ (1998, 2004) તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત, તેઓ 2000 થી 2003 સુધી બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને બિહાર સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી.
ત્રણ પેઢીનો કોંગ્રેસ સાથેનો નાતો
ડૉ. શકીલ અહમદનો પરિવાર ત્રણ પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે. તેમના દાદા અહમદ ગફૂર 1937માં ધારાસભ્ય બન્યા હતા, જ્યારે તેમના પિતા શકુર અહમદ 1952 થી 1977 સુધી પાંચ વખત ધારાસભ્ય રહ્યા હતા. આટલા ઊંડા પારિવારિક જોડાણ છતાં તેમનું રાજીનામું બિહાર કોંગ્રેસમાં ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ તરફ ઈશારો કરે છે.

