India

કોલકાતામાં મોટી હોનારત : દુર્ગા પૂજા પંડાલ ધરાશાયી થતાં 17 લોકોના મોત, 40 ઘાયલ

By GS Team
17 Oct 20263 mins read
TukuTouch Logo
કોલકાતામાં દુર્ગા પૂજાના સપ્તમીની સાંજે ચોરબાગાનના પંડાલનો એક હિસ્સો ભીડના દબાણથી તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં આશરે 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા, અને કેટલાકના મોતની આશંકા છે. મુખ્યમંત્રી સહિતના અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. સરકારે 18003455678 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોલકાતામાં મોટી હોનારત : દુર્ગા પૂજા પંડાલ ધરાશાયી થતાં 17 લોકોના મોત, 40 ઘાયલ

Kolkata Durga Puja Accident : કોલકાતામાં દુર્ગા પૂજાના તહેવાર વચ્ચે મહાસપ્તમીની સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર કોલકાતાના ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા પ્રખ્યાત ચોરબાગાન સાર્વજનિક (શારદા પાર્ક) પૂજા પંડાલમાં ભારે વરસાદ અને ભારે ભીડના દબાણને કારણે પંડાલનો એક હિસ્સો અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટના બાદ પંડાલમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી, જેમાં આશરે 17 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 40 જેટલા શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, અન્ય પંડાલો બંધ કરાયા

ઘટના બનતાં જ પોલીસ, ફાયર બ્રિજ, કંટ્રોલ રૂમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG)ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સાથે મળીને પંડાલમાંથી તમામ અસરગ્રસ્તોને સલામત બહાર કાઢીને તાબડતોબ કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (MCH) ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે પૂજા પંડાલને શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 'તાલા પ્રત્યય' પંડાલને પણ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે, જ્યારે 'ચેતલા અગ્રણી' પંડાલને એક કલાક માટે બંધ રાખવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી, મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય મંત્રી પહોંચ્યા હોસ્પિટલ

દુર્ઘટનાની ગંભીરતા જોતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ કલકત્તા મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળના આરોગ્ય મંત્રીએ પણ મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોની ખબર-અંતર પૂછ્યા હતા અને તબીબી સારવારની સમીક્ષા કરી હતી.

સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે નાગરિકોની મદદ અને સાચી માહિતી મેળવવા માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 18003455678 જાહેર કર્યો છે, જેથી અસરગ્રસ્ત પરિવારો સરળતાથી વિગતો મેળવી શકે.

પ્રત્યક્ષદર્શીએ વર્ણવી આપવીતી

એક પ્રત્યક્ષદર્શીએ ઘટનાની ગંભીરતા જણાવતાં કહ્યું કે, પંડાલના એક્ઝિટ ગેટ પર ભારે ભીડ અને અંધારાના કારણે મુશ્કેલી વધી હતી. અફરાતફરી વચ્ચે ઘણા લોકો બેભાન થઈ ગયા હતા. એમ્બ્યુલન્સની રાહ જોયા વિના કેટલાક લોકોને મોટરસાઇકલ પર બેસાડીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કોલકાતામાં સર્જાયેલી ભાગદોડની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. PMO દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાથી અત્યંત દુઃખ થયું છે. વડાપ્રધાને આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહી છે. વડાપ્રધાને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારજનને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

રાજ્યપાલે વ્યક્ત કર્યું દુઃખ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રવિએ કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભાગદોડના કારણે થયેલા મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવાની કામના કરી છે.

મમતા બેનર્જીએ વ્યક્ત કર્યું ઊંડું દુઃખ

આ દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ આ ઘટનાના સમાચારથી અત્યંત દુઃખી અને સ્તબ્ધ છે. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી અને મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોને હિંમત મળે તે માટે પ્રાર્થના કરી હતી.

ઘાયલોની સારવાર પ્રાથમિકતા: TMC નેતા કુણાલ ઘોષ

બીજી બાજુ, TMC નેતા કુણાલ ઘોષે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે હાલ પ્રાથમિકતા લોકોના જીવ બચાવવાની અને ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર અપાવવાની છે. તેમણે પોલીસ અને પ્રશાસનને હોસ્પિટલમાં તબીબી સ્ટાફ વધારવા અપીલ કરી હતી તેમજ લોકોને ચોરબાગાન તરફ ન જવા વિનંતી કરી હતી.