Get The App

નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં 1 - image


- સરકારે સંસદમાં લેખિતમાં સ્વીકાર્યું કે વિમાનના સિગ્નલ સાથે ચેડાં થાય છે 

- કોલકાતા, મુંબઇ, ચેન્નાઇ, બેન્ગાલુરૂ, હૈદરાબાદ અને અમૃતસર એરપોર્ટ્સ  પર પણ જીપીએનએસ ઇન્ટરફિયરન્સની ફરિયાદો થઇ 

નવી દિલ્હી : નવેમ્બર મહિનામાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવાના થયેલી ૮૦૦ ફલાઇટ્સ જીપીએસ ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમા આવેલી ખરાબીનો નહીં પણ સ્પૂફિંગનો શિકાર બની હતી તેમ નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું.કેન્દ્ર સરકારે એક લેખિત ઉત્તરમાં સ્વીકાર કર્યો હતો કે દિલ્હી સહિત દેશના મુખ્ય વિમાનીમથકો પર જીપીએસ સ્પૂફિંગની સમસ્યા સર્જાઇ હતી. જેને કારણે આ તમામ વિમાનીમથકેથી રવાના થનારાં અને આવનારાં વિમાન જીપીએસ  સ્પૂફિંગની શિકાર બની હતી. 

જીપીએસ સીપૂફિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં બનાવટી સિગ્નલ મોકલી કોઇપણ ઉપકરણનું લોકેશન ખોટું બતાવવામાં આવે છે. વિમાન સાથે આમ બને તો તેની નેવિગેશન સિસ્ટમ ફેલ થઇ શકે અને તેના કારણે દુર્ઘટના પણ બની શકે.

યુએસના નાગરિક ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ રાજ્ય સભામાં સાંસદ એસ. નિરંજન રેડ્ડીના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે દસ પર લેન્ડ થયેલાં વિમાનોને જીપીએસ સ્પૂફિગની સમસ્યા થઇ હતી. સ્પૂફિંગની ખબર પડતાં જ વૈકલ્પિક પ્રક્રિયા હાથ ધરી વિમાનોને સહીસલામત ઉતારવામાં આવ્યા હતા. પ્રધાને સ્પષ્ટતા કરી હતી કે બીજા રન વે પારંપરિક નેવિગેશન સિસ્ટમ પર કામ કરતાં હોઇ તે સુરક્ષિત રહ્યા હતા. 

સરકારના જણાવ્યા અનુસાર નવેમ્બર ૨૦૨૩થી જીપીએસ જામિંગ- સ્પૂફિંગનો રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો હતો. એ પછી દેશના મોટાં વિમાનીમથકો કોલકાતા, મુંબઇ, ચેન્નાઇ, બેન્ગાલુરૂ, હૈદરાબાદ અને અમૃતસરમાં  પણ જીપીએનએસ ઇન્ટરફિયરન્સની ફરિયાદો મળી હતી. સરકારે તેના પગલે ડીજીસીએ દ્વારા એડવાઇઝરી જાહેર કરાવી હતી કે જીએનએસએસ ઇન્ટરફિયરન્સ સાથે કેમ કામ પાર પાડવું. જીપીએસ સ્પૂફિંગ થાય તો તેની રિયલ ટાઇમ રિપોર્ટિંગ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-એસઓપી- લાગુ પાડવામાં આવી હતી. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-એએઆઇ- પણ ડબલ્યુએમઓને આ અવરોધ ક્યાંથી આવે છે તેની તપાસ કરવા જણાવ્યું હતું. 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં પરંપરાગત નેવિગેશન અને સર્વિલિયન્સ  સિસ્ટમનું લઘુત્તમ ઓપરેટિંગ નેટવર્ક જાળવવામાં આવેલું છે જે સેટેલાઇટ આધારિત સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે વિશ્વસનીય બેક અપ તરીકે કામ આપે છે. એટીસીના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની ૬૦ નોટિકલ માઇલની ત્રિજ્યામાં ઉડી રહેલાં વિમાનો નવેમ્બરમાં સ્પૂફિંગનો ભોગ બન્યા હતા. ઘણાં કિસ્સામાં તો એટીસીએ હસ્તક્ષેપ કરી નેવિગેશનની સૂચનાઓ આપવી પડી હતી. 

સરકારે અગાઉ પણ લોકસભામાં જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩થી ફેબુ્રઆરી ૨૦૨૫ દરમ્યાન ૪૬૫ જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓ ભારત-પાકિસ્તાન સીમા ક્ષેત્રોમાં નોંધાઇ હતી. આ ઘટનાઓ મોટેભાગે અમૃતસર અને જમ્મુમાં નોંધાઇ હતી. 

Tags :