તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ કર્યા લગ્ન, બીજેડીના નેતાને બનાવ્યાં જીવનસાથી
Mahua Moitra Married With Pinaki Mishra: તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ મહુઆ મોઈત્રા (Mahua Moitra)એ જર્મનીમાં લગ્ન તંતાણે બંધાયા છે. બીજૂ જનતા દળ (બીજેડી)ના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. મહુઆએ ત્રણ મેના રોજ પિનાકી સંગ લગ્ન કર્યા હતાં. પિનાકી બીજેડીમાંથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. પ્રથમ વખત 1996માં સાંસદ બન્યા હતાં. ત્યારબાદ 2009થી 2019 સુધી સાંસદ રહ્યા હતાં. જ્યારે મહુઆ મોઈત્રા પ્રથમ વખત 2019માં સાંસદ પદે ચૂંટાયા હતાં. હાલ તેઓ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાંથી સાંસદ છે.
જર્મનીમાં લગ્ન, તસવીરો વાઈરલ
મીડિયા રિપોર્ટ અનુસાર, 3 મેના રોજ મહુઆ મોઈત્રાએ જર્મનીમાં અંગત લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. સોશિયલ મીડિયા પર વાઈરલ તસવીરમાં મહુઆ મોઈત્રા જર્મનીમાં પારંપારિક પરિધાન અને સોનાના ઘરેણાંમાં પતિ સાથે જોવા મળી છે. અંગત મહેમાનોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. જો કે, સત્તાવાર ધોરણે મહુઆ મોઈત્રાએ લગ્ન વિશે કોઈ માહિતી આપી નથી.
મહુઆ મોઈત્રાનું ભૂતકાળ ચર્ચામાં રહ્યું છે
મહુઆ મોઈત્રાનું અંગત જીવન અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવ્યું છે. મોઈત્રાએ અગાઉ ડેનમાર્કના ફાઈનાન્સર લાર્સ બ્રોરસન સાથે લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેમના છૂટાછેડાં થઈ ગયા હતાં. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી વકીલ જય અનંક દેહાદ્રઈ સાથે પ્રેમ સંબંધમાં હતાં. બાદમાં બંને છૂટા પડ્યા હતાં.
પિનાકી મિશ્રાના પણ આ બીજા લગ્ન
પિનાકી મિશ્રાએ 1984માં સંગીતા મિશ્રા સાથે લગ્ન કર્યા હતાં. દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટિફન્સ કોલેજમાંથી અભ્યાસ કરનારા મિશ્રા બીજેડીના ધનિક નેતાઓ પૈકી એક છે. તેમને બે બાળકો (પુત્ર અને પુત્રી) છે.