કાશીમાં પણ મહાકુંભ જેવા દૃશ્યોઃ સાત અખાડાના દસ હજાર નાગા સાધુ ગદા-તલવારો લઈને નીકળ્યા
Maha Shivratri Kashi Vishwanath BaBa: મહા શિવરાત્રિના પર્વ નિમિત્તે આજે કાશીમાં સાધુ-મહાત્માઓ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે 7 શૈવ અખાડાના 10,000થી વધુ નાગા સાધુઓ ગદા, શંખ, તલવાર સાથે શિવ સવારી કરતાં વિશ્વનાથ બાબાના દર્શન કરવા કાશી પહોંચ્યા છે. શંખનાદ, હર હર મહાદેવના નાદ સાથે કાશી-વારાણસી ગુંજી ઉઠ્યા છે. મહાકુંભ જેવી જ ભાવિક ભક્તોની ભીડ કાશીમાં ઉમટી પડી છે.
સવારે નવ વાગ્યા સુધીમાં જ 2.37 લાખ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા હતાં. મહા શિવરાત્રિ પર્વ પર કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિ મહારાજે કહ્યું કે, મહા શિવરાત્રિના પર્વ પર તમામ પાંચ અખાડાએ મહાદેવની પૂજા-આરાધના કરી છે. મહાકુંભની પૂર્ણાહૂતિ માટે અભિષેક પણ કર્યો છે.
કાશીમાં શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા
કાશી વિશ્વનાથ ધામમાં મહા શિવરાત્રિ નિમિત્તે ઉમટી પડેલી ભીડને અગવડ ન પડે તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે હેતુ સાથે સત્તાધીશો અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. નાગા સાધુઓ માટે બેરિકેડ ઊભા કરવામાં આવ્યા હતા. લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે નાગા સાધુઓના આશીર્વાદ લેવા ઊભા છે. કતારમાં સૌ ભક્તો શાંતિથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા અને ડાયવર્ઝન મૂકવામાં આવ્યા છે.
વિશ્વનાથ ધામ પર મંગળા આરતી બાદ દર્શન-પૂજાનો સિલસિલો જારી છે. મંદિરમાં છ દરવાજા પરથી એન્ટ્રી થઈ રહી છે. ઘણાં નાગા સાધુઓ ઘોડાગાડી, વાહનોમાં સવાર થઈને દર્શન કરવા પહોંચ્યા છે. તેમના પર ભક્તોએ પુષ્પ વર્ષા કરી છે.