Maharastra Election News : મહારાષ્ટ્રમાં આજે રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્યની આર્થિક રાજધાની મુંબઈ (BMC) સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે આજે સવારે 7:30 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણીને 2022માં શિવસેનાના વિભાજન બાદ મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનારી 'અગ્નિપરીક્ષા' માનવામાં આવી રહી છે.
ઠાકરે બંધુઓ વિરુદ્ધ ભાજપ-શિવસેના ગઠબંધન
આ ચૂંટણી રાજકીય રીતે ખૂબ જ મહત્વની છે. એક તરફ શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં પોતાનું રાજકીય વર્ચસ્વ પાછું મેળવવા માટે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે. તો બીજી તરફ, ભાજપ-શિવસેના (શિંદે જૂથ) ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં શાસક મહાયુતિના દમદાર પ્રદર્શન બાદ પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.
દિગ્ગજોએ કર્યું મતદાન, અક્ષય કુમારની ખાસ અપીલ
મતદાન શરૂ થતાં જ નાગપુરમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સવાર-સવારમાં પોતાનો મત આપ્યો હતો. મુંબઈમાં, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ વહેલી સવારે મતદાન કર્યું. મત આપ્યા બાદ તેમણે મુંબઈના નાગરિકોને અપીલ કરતાં કહ્યું, "આજે BMC માટે મતદાન થઈ રહ્યું છે. મુંબઈવાસી હોવાના નાતે, આજે રિમોટ કંટ્રોલ આપણા હાથમાં છે. જો આપણે મુંબઈના અસલી હીરો બનવું હોય, તો આપણે ડાયલોગબાજી ન કરવી જોઈએ, પરંતુ બહાર આવીને પોતાનો મત આપવો જોઈએ."
BMC ચૂંટણીના મુખ્ય આંકડા
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના 227 વોર્ડ માટે કુલ 1,700 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈના 1.03 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 55.16 લાખ પુરુષ, 48.26 લાખ મહિલા અને 1,099 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
સુરક્ષા અને વિશેષ વ્યવસ્થા
શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે મુંબઈ પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. ઠેર-ઠેર બેરિકેડિંગ કરવામાં આવી છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે મહિલાઓ દ્વારા સંચાલિત 'પિંક પોલિંગ બૂથ' બનાવ્યા છે અને વરિષ્ઠ નાગરિકોની મદદ માટે વિશેષ ટીમો તૈનાત કરી છે. સાંજે મતદાનના અંતિમ કલાકોમાં ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે.
આજે 29 મહાનગરપાલિકાઓમાં મતદાન હોવાથી તે વિસ્તારોમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. મતોની ગણતરી 16 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.


