'ઔરંગઝેબ પ્રેમ' ભારે પડ્યો! વિવાદિત નિવેદન મુદ્દે હોબાળો થતા અબુ આઝમીએ માફી માગી, કહ્યું- 'મેં છત્રપતિ શિવાજી મહારાજનું...',
Aurangzeb Controversy In Maharashtra: મહારાષ્ટ્રમાં મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ઊભો થયો છે. શિવસેના (શિંદે જૂથ)ના વડા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાજવાદી પાર્ટી (SP) ના મુંબઈ પ્રમુખ અને ધારાસભ્ય અબુ આઝમી પર ઔરંગઝેબના વખાણ કરવા બદલ વળતો પ્રહાર કર્યો છે. આ ઉપરાંત તેની સામે મહારાષ્ટ્રના થાણેમાં ફરિયાદ નોંધાઈ છે. મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દા પર ઘણો હોબાળો થયો. તેમના વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, તો બીજી તરફ વધતા વિવાદને જોતા અબુ આઝમીએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે, તેમના નિવેદનને તોડી મરોડીને દેખાડવામાં આવ્યું છે. અબુ આઝમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કહ્યું છે કે, તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે અને જો કોઈને તેમના નિવેદનથી ઠેસ પહોંચી હોય તો, હું મારા શબ્દો અને નિવેદન પરત લઉં છું.
ઇન્સ્ટાગ્રામ પરના એક વીડિયોમાં અબુ આઝમીએ કહ્યું કે, તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમણે એ જ વાત કહી છે જે ઇતિહાસકારો અને લેખકોએ ઔરંગઝેબ રહેમતુલ્લાહ અલૈહ વિશે કહી છે. મેં છત્રપતિ શિવાજી મહારાજ, સંભાજી મહારાજ કે અન્ય કોઈ મહાપુરુષ વિશે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નથી.
અબુ આઝમીએ કહ્યું કે, 'જો મારા નિવેદનથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો, મારું નિવેદન પાછું લઉં છું. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, અને મને લાગે છે કે આના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર બંધ કરવાથી મહારાષ્ટ્રના લોકોને નુકસાન થઈ રહ્યું છે.'
મુઘલ બાદશાહ ઔરંગઝેબને ક્રૂર શાસક માનતો નથી: અબુ આઝમી
સપા નેતા અબુ આઝમીએ ઔરંગઝેબનો બચાવ કરતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'હું 17મી સદીના મુઘલ બાદશાહ ઔરંગઝેબને ક્રૂર, જુલમી કે અસહિષ્ણુ શાસક માનતો નથી. આજકાલ ફિલ્મો દ્વારા મુઘલ સમ્રાટની વિકૃત છબી બનાવવામાં આવી રહી છે.'
કોંગ્રેસના નેતાએ ઔરંગઝેબ અંગે નિવેદન આપ્યું
અબુ આઝમીના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી અને ઉદિત રાજે પણ ઔરંગઝેબ અંગે નિવેદન આપ્યું છે. રાશિદ અલ્વીએ કહ્યું છે કે, 'ઔરંગઝેબે મંદિરો તોડી પાડ્યા હતા, પરંતુ તેમણે મંદિરોને પૈસા પણ આપ્યા હતા.'
કોંગ્રેસના નેતા ઉદિત રાજે અબુ આઝમીના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું, 'હું અબુ આઝમીના નિવેદનનું સમર્થન કરું છું. તેમણે કંઈ ખોટું કહ્યું નથી. ઔરંગઝેબે મસ્જિદ પણ તોડી પાડી. રાજાઓ એકબીજાને હેરાન કરતા હતા. મોટા રાજાઓ નાના રાજાઓને હેરાન કરતા હતા. ફક્ત એક જ રાજાને નિશાન બનાવવું ખોટું છે. હિન્દુઓમાં પણ ક્રૂર રાજાઓ હતા. શા માટે ફક્ત ઔરંગઝેબને જ નિશાન બનાવવામાં આવી રહ્યું છે?'
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારે હોબાળો
મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે (ચોથી માર્ચ) આ મુદ્દા પર ઘણો હોબાળો થયો. ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)ના સભ્યોએ ગૃહમાં જય ભવાની-જય શિવાજીના નારા લગાવ્યા અને અબુ આઝમી સામે કાર્યવાહીની માંગ કરી. ગૃહમાં હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અબુ આઝમીના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'સપા નેતાએ પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ.' આ ઉપરાંત તેમણે અબુ આઝમી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની પણ માંગ કરી હતી.