ભારે વરસાદ બાદ મુંબઈ ઠપ: પરીક્ષા મોકૂફ, ઑફિસમાં વર્ક ફ્રોમ હોમ, મહારાષ્ટ્રમાં કુલ 12ના મોત
Mumbai Heavy Rain Updates: મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે અનેક ગામો સાથેના સંપર્ક તૂટ્યા છે. વિદર્ભમાં અમુક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાતાં સંપર્ક તૂટ્યો છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે દરિયો જાણે રસ્તા પર આવી ગયો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. મહારાષ્ટ્રમાં વરસાદના કારણે 12 લોકોના મોત થયા છે. નાંદેડમાં પૂરના કારણે 9 લોકોના મોત થયા છે. મુંબઈમાં દીવાલ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે. રાજ્યના અન્ય હિસ્સામાં વધુ બે મોત થયા હોવાનું આપત્તિ નિવારણ મંત્રી ગિરીશ મહાજને જણાવ્યું હતું.
મુંબઈનું જનજીવન ખોરવાયું
મુશળધાર વરસાદના કારણે સેન્ટ્રલ રેલવે ખોરવાઈ છે. લોકલ ટ્રેનો પણ કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે. હાર્બર રેલવે લાઇન પર પાણી ભરાતાં ટ્રેનો 50-50 મિનિટ મોડી પડી છે. ચારેકોર પાણી ભરાતાં ટ્રાફિક જામની સમસ્યા પણ વધી છે. લોકો ઘરની બહાર નીકળવા અસક્ષમ બન્યા છે.
યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત કરાઈ
ભારે વરસાદને ધ્યાનમાં લેતાં મુંબઈ યુનિવર્સિટીએ આજે લેવાનારી પરીક્ષા સ્થગિત કરી છે. આજે સ્થગિત કરાયેલી યુનિવર્સિટીની આ પરીક્ષા હવે 23 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે. શાળા-કૉલેજોમાં આજે પણ રજા આપવામાં આવી છે. BMCએ નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.
12થી વધુ લોકોના મોત
મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 200મીમી વરસાદ વરસ્યો છે. વિકરોલીમાં સૌથી વધુ 255.5 મીમી વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા અત્યારસુધીમાં 12 લોકોના મોત થયા છે. અનેક ગુમ છે. બોરિવલી, અંધેરી, સાયન, દાદર, ચેમ્બુર, ગાંધી માર્કેટમાં કેડસમા પાણી ભરાયા છે. શાળા, કૉલેજો અને ઑફિસોમાં જાહેર રજા આપવામાં આવી છે.
આજે પણ આપ્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લઈ દેખરેખ રાખી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ચિંચોલી ફાયર સ્ટેશનમાં 361 મીમી, કાદિવલી ફાયર સ્ટેશન 337 મીમી, વસઈ પમ્પિંગ સ્ટેશન 240 મીમી, દાદર 300 મીમી, વડાલા મ્યુનિસિપલ સ્કૂલ 282 મીમી, સાઉથ ડિવિઝન 265 મીમી, વર્લી 250 મીમી વરસાદ પડ્યો છે.