Get The App

નવા વર્ષની ઉજવણી વચ્ચે મહારાષ્ટ્રમાં બબાલ, જલગાવમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વાહનોને આગચંપી

Updated: Jan 1st, 2025

GS TEAM

Google News
Google News
નવા વર્ષની ઉજવણી વચ્ચે મહારાષ્ટ્રમાં બબાલ, જલગાવમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વાહનોને આગચંપી 1 - image

Clash In Jalgaon, Maharashtra : મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ શરુ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહીં 12થી 15 દુકાનો સળગાવી દેવાઈ છે.

હોર્ન વગાડવા જેવા નજીવા મુદ્દે બબાલ

મળતા અહેવાલો મુજબ શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઇવરે હોર્ન વગાડતાં કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઇવરને અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી. ત્યારબાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટના બાદ પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યક્રતાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરુ કરી દીધું હતું.

આ પણ વાંચો : નવા વર્ષે મોંઘવારીનો માર : ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો ઝીંક્યો

ટોળાએ 12થી 15 દુકાનો સળગાવી દીધી

આ ઘટના બાદ બે જૂથો સામ સામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થમારો કરવાનું શરુ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતા. આ ઘટનામાં 12થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી છે.  ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જોકે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.

25 સામે કેસ, 10ની ધરપકડ

જલગાવમાં પથ્થમારો થયો હોવાની તેમજ આગચાંપવાની ઘટના વાયુવેગે ફેલાતાં ખળભળાટ મચ્યો છે. પોલીસે જલગાવના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પોલીસે શંકાસ્પદોની શોધખોળ શરુ કરી દીધી છે. આ ઘટનામાં પોલીસે 25 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : 2025નું ચૂંટણી કેલેન્ડર, દિલ્હીથી શરૂઆત બિહારમાં અંત... દેશની સૌથી ધનિક કોર્પોરેશન માટે યોજાશે મતદાન