રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કૉલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mumbai Heavy Rain Today: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાત દિવસ ધમધમતી માયાનગરી મુંબઈમાં છેલ્લા 72 કલાકથી અનરાધાર વરસાદના કારણે જનજીવન થંભી ગયું છે. મુંબઈ ઉપરાંત અન્ય શહેરો અને ગામડાંઓમાં પણ મુશળધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
અંધેરી-બોરીવલીથી માંડી દાદર-ચર્ચગેટમાં પાણીઓ ભરાતાં ગાડીઓ ફસાઈ છે. હવામાન વિભાગે વરસાદ માટે રેડ ઍલર્ટ જાહેર કરતાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને (BMC) શાળાઓ અને કૉલેજોમાં રજા આપી છે.
BMCએ નાગરિકો માટે 1916 હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. તેમજ લોકોને ઘરમાં રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર ખસી જવા અપીલ કરી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ચક્કાજામ થયો છે. રાત-દિવસ દોડતું શહેર આ વરસાદના કારણે અચાનક થંભી ગયું છે.

હવામાન વિભાગે આપ્યું રેડ ઍલર્ટ
હવામાન વિભાગે (IMD)એ આજે સવારે બે વાગ્યે જુદા-જુદા શહેરો-વિસ્તારો માટે વરસાદના ઍલર્ટ આપ્યા હતા. જે મુજબ, આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્ર જેમાં મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુ દુર્ગ અને ગોવામાં ફ્લેશ ફ્લડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જેથી દરિયા કિનારા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. 24 કલાકમાં રત્નાગિરીમાં 109 mm, સાંતા ક્રુઝમાં 71 mm, પણજીમાં 69 mm વરસાદ થયો છે. આગામી બે દિવસમાં મુંબઈ, થાણે, સહિત કોંકણ અને મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. મરાઠાવાડા અને વિદર્ભના અમુક હિસ્સા માટે પણ ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે.

તમામ શાળા-કૉલેજોમાં રજા
BMC કમિશ્નર અને વહીવટી અધિકારી ભૂષણ ગગરાણીએ આજે બપોરે 12 વાગ્યા પછી મુંબઈની તમામ શાળાઓ અને કૉલેજોમાં રજા જાહેર કરી છે. બીએમસી વહીવટીતંત્ર નાગરિકોને અપીલ કરી રહ્યું છે કે તેઓ ફક્ત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે. કોઈપણ જરૂરિયાતના કિસ્સામાં, સહાય અને સત્તાવાર માહિતી માટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરો. સવારે 8:30 થી 11:30 વાગ્યા સુધીમાં ટાટા પાવર ચેમ્બુરમાં સૌથી વધુ 91.5 મીમી વરસાદ નોંધાયો હતો. વિક્રોલીમાં 78.5 મીમી, જુહુમાં 60.0 મીમી, સાયનમાં 58.5 મીમી, બાંદ્રામાં 50.0 મીમી, સાંતાક્રુઝમાં 47.2 મીમી અને કોલાબામાં 29.0 મીમી વરસાદ નોંધાયો છે.
નાંદેડમાં આભ ફાટ્યું
સોમવાર સવારથી મહારાષ્ટ્રના નાંદેડના મુખેડ તાલુકામાં ભારે વરસાદ ચાલુ છે. ભીંગોલી, ભેંડેગાંવ, હસનાલ, રાવનગાંવ, ભસવાડી અને સાંગવી ભદેવ જેવા ગામોમાં પૂરની સ્થિતિ છે. સ્થાનિક વહીવટીતંત્રે NDRF ટીમો સ્થળ પર મોકલી છે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. ખેતરોમાં ઊભો પાક નાશ પામ્યો છે. વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી છે.
વાવાઝોડા સાથે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો માટે ભારે હોવાનું જણાવ્યું છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ધુઆંધાર વરસાદ થવાની સંભાવના છે. 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડે વાવાઝોડાની સાથે વરસાદ વરસવાની આગાહી કરી છે.









