શિવસેનાના અસલી હક્કદાર કોણ, ઠાકરે કે શિંદે ? ચૂંટણી પંચ આવતા મહિને કરશે સુનાવણી
સંજય રાઉતે કહ્યું કે, અમે કોઈપણ જુથને માન્યતા નહીં આપીએ, જ્યાં ઠાકરે છે, તેમની શિવસેના છે
EC સમથ ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલ અને શિંદે જૂથ તરફથી મહેશ જેઠમલાણી હાજર થયા
Image - Twitter |
મુંબઈ,તા.12 ડિસેમ્બર-2022, સોમવાર
શિવસેનાના અસલી હક્કદાર કોણ ? આ મામલે મહારાષ્ટ્રમાં ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના પર દાવાને લઈ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરે અને મુખ્યમંત્રી શિંદેના જૂથ વચ્ચે સતત વિવાદો પણ જોવા મળી રહ્યા છે. તો આ મામલે બંને જૂથોની દલીલો સાંભળવા માટે ચૂંટણી પંચે આગામી તારીખ પાંચમી જાન્યુઆરી નક્કી કરી છે.
ચૂંટણી પંચ સમક્ષ બંને જૂથે દસ્તાવેજો રજુ કર્યા
શિવસેનાના નામ અને ચિન્હ પર ઠાકરે અને શિંદે જૂથના દાવા અંગે સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન બંને જૂથોના વકીલોએ હરીફ જૂથ દ્વારા રજુ કરાયેલા દસ્તાવેજોને તપાસવા માટે સમય માંગ્યો છે.
ચૂંટણી પંચ સમક્ષ કપિલ સિબ્બલ અને મહેશ જેઠમલાણી હાજર રહ્યા
ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલ અને શિંદે જૂથ તરફથી મહેશ જેઠમલાણી ચૂંટણી પંચ સમક્ષ હાજર થયા હતા. શિવસેના કહે છે કે, બળવાખોર શિંદે પાર્ટી છોડીને ગયા હોવાથી તેમનો દાવો કરવો ખોટો છે. બીજી તરફ એકનાથ શિંદેએ ભાજપ સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી અને તેઓ કહે છે કે, તેમની પાર્ટી જ અસલી શિવસેના છે.
જ્યાં ઉદ્ધવ ઠાકરે છે તે જ શિવસેના છે
ઠાકરે જુથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, અમે કોઈ અન્ય જુથને માન્યતા આપીશું નહીં. જ્યાં ઠાકરે છે, તેમની જ શિવસેના છે. ઉલ્લેખનિય છે કે, ગત મહિને ચંટણી પંચે શિવસેનાના જુથોએ કહ્યું હતું કે, પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ પર પોતાનો દાવો પરત લેવા માટે 23 નવેમ્બર સુધીમાં નવા દસ્તાવેજો રજુ કરે.