| (IMAGE - IANS) |
Shinde Sena ties up with MNS in Kalyan-Dombivli: મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે એક નવો વળાંક જોવા મળ્યો છે. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા(KDMC)માં મેયર પદ પર ભાજપનો કબજો રોકવા માટે એકનાથ શિંદેની શિવસેનાએ જૂની દુશ્મનાવટ બાજુ પર મૂકીને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) સાથે હાથ મિલાવ્યા છે. આ આશ્ચર્યજનક ગઠબંધનને કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરે બંને સ્તબ્ધ થઈ ગયા છે. તાજેતરમાં જ ઠાકરે ભાઈઓ(રાજ અને ઉદ્ધવ) સાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતાં, મનસેએ છેલ્લી ઘડીએ શિંદે જૂથને સમર્થન આપીને ઉદ્ધવ ઠાકરેને જોરદાર આંચકો આપ્યો છે.
શિંદે સેના અને ભાજપ આમને-સામને
કલ્યાણ-ડોમ્બિવલીની કુલ 122 બેઠકોમાંથી શિંદેની સેનાએ 53 અને ભાજપે 50 બેઠકો જીતી છે. એકનાથ શિંદેના ગઢ ગણાતા આ વિસ્તારમાં ભાજપે ખૂબ જ મજબૂત દેખાવ કર્યો છે, જેનાથી શિંદે જૂથ સાવધ થઈ ગયું હતું. મનસેની 5 બેઠકોના સમર્થન સાથે હવે શિંદેની શિવસેના પાસે કુલ 58 કોર્પોરેટરોનું સંખ્યાબળ થયું છે. સત્તા મેળવવા માટે 62નો આંકડો જરૂરી છે અને શિંદે જૂથ હવે બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભાજપ અને શિંદે સેના 'મહાયુતિ' ગઠબંધનનો હિસ્સો હોવા છતાં, કલ્યાણ-ડોમ્બિવલીમાં મેયર પદ માટે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.
KDMCમાં બેઠકોનું ગણિત
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો છે. બહુમતી માટે 6નો આંકડો જરૂરી છે. ચૂંટણી પરિણામો મુજબ:
એકનાથ શિંદે (શિવસેના): 53 બેઠકો
ભાજપ: 50 બેઠકો
ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT): 11 બેઠકો
મનસે (MNS): 5 બેઠકો
હવે શિંદેની શિવસેના (53) અને મનસે (5)ના સમર્થન સાથે આ આંકડો 58 પર પહોંચ્યો છે. બહુમતી માટે હજુ 4 બેઠકોની જરૂર છે. ચર્ચા છે કે શિંદે જૂથ ઉદ્ધવ ઠાકરેના 11 કોર્પોરેટરોમાંથી કેટલાકને તોડવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો: 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર
ભાજપને બદલે મનસે પર શિંદેનો ભરોસો
આ નવું ગઠબંધન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ મહાનગરપાલિકા(BMC)ના મેયર પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. કલ્યાણ-ડોમ્બિવલીમાં શિંદેએ ભાજપને બદલે મનસેને પસંદ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પોતાના ગઢમાં ભાજપના વધતા વર્ચસ્વને સ્વીકારવા તૈયાર નથી. આ હિલચાલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે, જેની અસર આગામી સમયમાં રાજ્યના મોટા રાજકીય નિર્ણયો પર પણ પડી શકે છે.


