મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ! CM ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે ગુપચુપ રીતે મુલાકાત થઈ હોવાની ચર્ચા
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય હલચલ જોવા મળી રહી છે. ઉદ્ધવ ઠાકરે બાદ હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરે વચ્ચે મુલાકાત થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે વચ્ચે એક હોટલમાં ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભાજપ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સૂત્રોએ બંને નેતાઓ વચ્ચે આવી કોઈ મુલાકાત ન થઈ હોવાના દાવા કરાયા છે.
મુલાકાત(કથિત રીતે) બાદ આદિત્ય ઠાકરે હોટલથી બહાર જતા નજરે પડ્યા હતા. જો કે, મુખ્યમંત્રી ઓફિસે જણાવ્યું કે, મુખ્યમંત્રી ફડણવીસ સોફિટેલ હોટલમાં હાજર હતા. પરંતુ આદિત્ય ઠાકરે સાથે કોઈ મુલાકાત થઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી કોઈ બીજા કાર્યક્રમ માટે હોટલમાં આવ્યા હતા જ્યારે આદિત્ય પોતાના મિત્રો સાથે હોટલમાં હાજર હતા. આદિત્ય ઠાકરે જે ગેટથી બહાર નિકળ્યા, મુખ્યમંત્રી ફડણવીસ બીજા ગેટથી બહાર ગયા.
થોડા દિવસો અગાઉ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે નિકટતા વધતી નજરે પડી રહી છે. મુખ્યમંત્રી ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પોતાની સાથે (ગઠબંધનમાં) આવવાની પણ ઓફર આપી હતી. ત્યારબાદ આદિત્ય- ઉદ્ધવઠાકરે અને ફડણવીસ વચ્ચે વિધાનસભામાં મુલાકાત પણ થઈ હતી. ત્યારબાદ હવે મુંબઈની એક હોટલમાં આદિત્ય ઠાકરે અને ફડણવીસ એક જ સમયે જોવા મળતા સસ્પેન્સ વધી ગયું છે.