રાજ્ય સરકારનો ટ્રાન્સજેન્ડરને અતિ-પછાત વર્ગ તરીકે અનામત આપતો આદેશ રદ, મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
Transgender Reservation: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરને અતિ-પછાત વર્ગમાં સમાવિષ્ટ કરતો આદેશ ફગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અતિ-પછાત વર્ગ અને લઘુમતી કલ્યાણના વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડરને પછાત વર્ગ અંતર્ગત લાભો પ્રદાન કરતાં તેમના સમુદાયનો અતિ પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના જજ જી.કે. ઈલાંથરાયને જણાવ્યું હતું કે, રાજ્ય NALSA મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો યોગ્ય અમલ કરવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે કહ્યું કે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને અતિ-પછાત વર્ગમાં સમાવિષ્ટ કરાવી તેને એક જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે. જે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરૂદ્ધમાં છે. સુપ્રીમ કોર્ટે સમુદાયને સમાન આરક્ષણ આપવા મંજૂરી આપી હતી.
હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા રાજ્ય સરકારના આ નિર્ણયને પડકારતી એક અરજી પર કાર્યવાહી કરી હતી. જેમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને જેન્ડર તરીકેની ઓળખ આપી સમાન આરક્ષણ આપવાના બદલે એક જાતિ તરીકે ગણવા બાબતે રાજ્ય સરકારની ટીકા કરી હતી.
બંધારણના નિયમોનું ઉલ્લંઘન
રાજ્ય સરકારનું આ પગલું બંધારણની કલમ 14,15,16,19 અને 21નું ઉલ્લંઘન કરે છે. ફરિયાદીએ દલીલ કરી હતી કે, તે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે, પરંતુ તેને મોસ્ટ બેકવર્ડ ક્લાસ (અતિ-પછાત વર્ગ) તરીકે ગણવામાં આવી રહી છે, જે બંધારણની વિરૂદ્ધમાં છે. રાજ્યના સમાજ કલ્યાણ અને પૌષ્ટિક ભોજન કાર્યક્રમ વિભાગ દ્વારા જારી સરકારી આદેશની નોંધ લેતાં સ્પષ્ટતા કરી હતી કે, જે ટ્રાન્સજેન્ડર પાસે કોઈ પણ સામુદાયિક પ્રમાણપત્ર નથી. તેમને અતિ-પછાત વર્ગમાં સમાવી લેવામાં આવ્યા છે, જ્યારે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST) છે, તેઓને સંબંધિત સમુદાયમાં સમાવી લેવા ભલામણ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડરને ત્રીજી જાતિ તરીકે દર્શાવતાં રાજ્ય અને કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો હતો કે, ટ્રાન્સજેન્ડરને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિક તરીકે સમાવી લેવા પગલાં લેવા જોઈએ. તેમજ શૈક્ષણિક અને રાજકીય રોજગારીમાં પણ આરક્ષણ આપવા કહ્યું હતું. જો કે, તેને એમબીસી (અતિ-પછાત વર્ગ) કેટેગરીમાં જાતિ તરીકે સમાવી લેવા નિર્દેશ કર્યો નથી.
રાજસ્થાન સરકારે ઓબીસીમાં સમાવિષ્ટ કર્યા
થોડા દિવસ પહેલાં જ રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટના આદેશને આધિન ટ્રાન્સજેન્ડરને ઓબીસી કેટેગરીમાં સમાવિષ્ટ કર્યા છે. જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અનુસૂચિત અને અનુસૂચિત જન જાતિના ટ્રાન્સજેન્ડર મામલે સ્પષ્ટતા કરી નથી.