વિધાનસભા ચૂંટણીઓ માટે EC તૈયાર... વરિષ્ઠ નાગરિકોને અપાઈ વિશેષ સુવિધા, 18.86 લાખ નવા મતદારો ઉમેરાયા

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે આજે ભોપાલમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વરિષ્ઠ નાગરિકો, વૃદ્ધો અને દિવ્યાંગો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ECએ ફોર્મ અંગે માહિતી આપી

Updated: Sep 6th, 2023


Google NewsGoogle News
વિધાનસભા ચૂંટણીઓ માટે EC તૈયાર... વરિષ્ઠ નાગરિકોને અપાઈ વિશેષ સુવિધા, 18.86 લાખ નવા મતદારો ઉમેરાયા 1 - image

ભોપાલ, તા.06 સપ્ટેમ્બર-2023, બુધવાર

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે આજે ભોપાલમાં ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નિષ્પક્ષ વિધાનસભા ચૂંટણી યોજવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પણ આયોજન કરાયું છે. વરિષ્ઠ નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેઓ ઘરેથી જ મતદાન કરી શકશે. આ વખતે કુલ 5.52 કરોડ મતદારો નોંધાયા છે. 18.86 લાખ મતદારો 18થી 19 વર્ષની ઉંમરના છે, જેઓ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ

ભોપાલમાં આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણી તૈયારીઓ માટેની સમીક્ષા પૂરી થઈ ગઈ છે. ચૂંટણી પંચના અધિકારીઓએ તૈયારીઓ અંગે સમીક્ષા કરવા ત્રણ દિવસ જુદી જુદી બેઠકો યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર સાથે ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેય અને અરૂણ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા મતદાન કરી શકશે

વરિષ્ઠ નાગરિકો ફોર્મ 12 ભરી ઘરેથી જ મતદાન કરી શકશે. વરિષ્ઠ નાગરિકોએ નોંધણી પ્રક્રિયા શરૂ થયાના 5 દિવસની અંદર 12ડી ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ ચૂંટણી પંચની ટીમ જે-તે વરિષ્ઠ નાગરિકના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા પુરી પાડશે. ઉપરાંત આ પ્રક્રિયાનું રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. વૃદ્ધો અને દિવ્યાંગોને પણ આ સુવિધા પુરી પાડવામાં આવશે. આ સુવિધા મેળવવા માટે સક્ષમ એપનો ઉપયોગ કરવાનો રહેશે.

પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાશે

ઉલ્લેખનિય છે કે, દેશના પાંચ રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આગામી મહિનાઓમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તા પર છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે તેલંગાણામાં BRS સત્તામાં છે.


Google NewsGoogle News