આ રાજ્યમાં હવે MBBSની સ્ટડી હિન્દીમાં થશે
નવી દિલ્હી,તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર
મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એમબીબીએસના ત્રણ વિષયો એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી - હિન્દીમાં ભણાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 16 ઓક્ટોબરે ભોપાલમાં પ્રથમ વર્ષ એમબીબીએસના અનુવાદિત પુસ્તકોનું વિમોચન કરીને રાજ્યમાં હિન્દીમાં તબીબી શિક્ષણની શરૂઆત કરશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ વિષયે જણાવ્યુ કે, આ પહેલ એ માન્યતાને બદલી નાંખશે કે, મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમો હિન્દીમાં ભણાવી શકાતા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, "હિન્દી માધ્યમમાં શિક્ષણ મેળવીને પણ જીવનમાં પ્રગતિ કરી શકાય છે તે વિચારને સાકાર કરવાની દિશામાં આ એક પગલું છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષામાં હોવું જોઈએ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે."
શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે, "મધ્યપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હશે જે હિન્દીમાં તબીબી શિક્ષણ શરૂ કરશે. હિન્દીમાં MBBS કોર્સનો પાયલોટ પ્રોજેક્ટ ગાંધી મેડિકલ કોલેજથી શરૂ થશે. ચાલુ સત્રથી જ એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી શીખવવામાં આવશે. મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં હિન્દી ભાષામાં ભણાવવામાં આવશે. જે આગામી સત્રમાં પણ એમબીબીએસના બીજા વર્ષમાં લાગુ કરવામાં આવશે.