મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા
Madhya Pradesh News: મધ્યપ્રદેશના ઈન્દૌરના રાનીપુરા વિસ્તારમાં સોમવાર રાત્રે મોટી દુર્ઘટના બની હતી. રાત્રે અંદાજિત 9 વાગ્યે એક 5 માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ. જણાવાય રહ્યું છે કે, સતત વરસાદના કારણે બિલ્ડિંગમાં પહેલા તિરાડો પડી હતી, જેના કારણે આ દુર્ઘટના બની. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની માહિતી મળી છે. આસપાસમાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને તંત્રને તેની માહિતી આપી.
માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને નગર નિગમની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું. અંદાજિત 9 લોકોના દબાયા હોવાના સમાચાર છે, જેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તંત્ર દ્વારા વિસ્તારને સીલ કરી દેવાયો છે.
રાહત બચાવ કામગીરી શરૂ
ઘટના સ્થળ પર જેસીબી મશીનથી કાટમાળ હટાવાય રહ્યો છે, ત્યારે પોલીસ અધિકારી ખૂદ કાટમાળ પર ચઢીને જોઈ રહ્યા છે કે કોઈ દબાયું નથીને. આ દુર્ઘટનામાં 9 ઇજાગ્રસ્તોને એમવાય હોસ્પિટલ મોકલાયા છે. કલેક્ટર શિવમ વર્મા અને પોલીસ કમિશનર સંતોષ કુમાર સિંહ પણ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સુરક્ષિત જગ્યા પર જવાની અપીલ કરી રહ્યા છે.