લખનૌઃ થપ્પડ ખાનારા કેબ ડ્રાઈવરે કહ્યું- સમજૂતી નહીં, યુવતીને જેલમાં મોકલીને જ રહીશ
- સહાદત અલીએ લખનૌ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ એ યુવતીનો સાથ આપીને કોઈ કાર્યવાહી નથી કરી રહી.
નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ, 2021, શનિવાર
લખનૌમાં થપ્પડની ગૂંજ અટકવાનું નામ જ નથી લઈ રહી. ઉત્તર પ્રદેશની રાજધાનીમાં થપ્પડ ગર્લના હાથે ધડાધડ થપ્પડ ખાનારા કેબ ડ્રાઈવર સહાદત અલીએ જણાવ્યું કે, જો થપ્પડ ગર્લની ધરપકડ નહીં કરવામાં આવે તો તે હાઈકોર્ટ સુધી જશે પરંતુ તેને જેલમાં મોકલીને જ રહેશે.
સહાદત અલીને તમાચા મારનારી યુવતી પ્રિયદર્શની હવે સમજૂતી કરવા માંગે છે પરંતુ સહાદત આ માટે બિલકુલ તૈયાર નથી. તેના કહેવા પ્રમાણે યુવતીએ ખોટું કર્યું છે અને તેને સજા મળવી જ જોઈએ. તે તેના સાથે કોઈ સમજૂતી નહીં કરે. તેના માન-સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે અને સમાજમાં તેની કોઈ જ ઈજ્જત નથી રહી આ ઘટનાના કારણે.
આ તરફ થપ્પડ ગર્લ પ્રિયદર્શિનીના કહેવા પ્રમાણે જો પોલીસ તેમનું કામ યોગ્ય રીતે કરતી તો તે થપ્પડ ગર્લ ન બનેત. બીજી બાજુ સહાદત અલીએ લખનૌ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ એ યુવતીનો સાથ આપીને કોઈ કાર્યવાહી નથી કરી રહી. પોલીસ પોતાના કેસને નબળો બનાવી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સહાદતના કહેવા પ્રમાણે જો આ કાંડ તેના હાથે થયો હોત તો પોલીસ તેને ક્યારનીય જેલમાં પુરી ચુકી હોતી.
સહાદતે જણાવ્યું કે, તે થપ્પડ ગર્લે તેને 22 તમાચા માર્યા. મહિલાનું સન્માન કરવા હું 30 થપ્પડો પણ ખાઈ શકું. સાથે જ પોલીસ ઢીલ વર્તતી હોવાના આરોપ સાથે એ કાંડને 15 દિવસ થઈ ગયા હોવા છતાં છોકરીની ધરપકડ નથી થઈ તેવી ફરિયાદ કરી હતી. સાથે જ યુવતી જે આરોપો લગાવી રહી છે તેને ખોટા ગણાવ્યા હતા. સહાદતના કહેવા પ્રમાણે તે યુવતીને નથી મળ્યો અને તેના સાથે મારપીટ પણ નથી કરી.