Get The App

આજથી 50 વર્ષ માટે લખનઉ એરપોર્ટની કમાન અદાણી પાસે, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ નિરીક્ષણ કરી ગયા

Updated: Nov 2nd, 2020

GS TEAM

Google News
Google News
આજથી 50 વર્ષ માટે લખનઉ એરપોર્ટની કમાન અદાણી પાસે, એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારીઓ નિરીક્ષણ કરી ગયા 1 - image


- પ્રવાસીઓની સુવિધા અને આવક વધારવાનું પગલું હોવાનો દાવો

લખનઉ તા.2 નવેંબર 2020 સોમવાર ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉનું ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશલ એરપોર્ટ આજથી પચાસ વરસ માટે ગૌતમ અદાણીના ગ્રુપને સોંપવામાં આવ્યું હતું. એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ શનિવારે અહીં આવીને બધી વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ગયા હતા.

પ્રવાસીઓની સુવિધા વધારવા અને સરકારી તિજોરીમાં આવક વધારવા માટે આ પગલું લેવાયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આજથી અદાણી ગ્રુપ આ એરપોર્ટની વ્યવસ્થા સંભાળી લેશે. જો કે શરૂમાં ત્રણ વર્ષ અદાણી અને સ્થાનિક વહીવટી તંત્ર એકબીજાના સહકારથી કામ કરશે. ત્યારબાદ અદાણી સ્વતંત્ર રીતે આ એરપોર્ટ સંભાળી લેશે. એરપોર્ટ મેનેજર સિવાય એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના 124 એક્ઝિક્યુટીવ અને નોન-એક્ઝિક્યુટીવ અધિકારીઓ પહેલાંની જેમ જ કામ કરશે પરંતુ વહીવટનો દોર અદાણી જૂથના હાથમાં રહેશે. 

પહેલા એક વર્ષ દરમિયાન આ એક પ્રકારના કો-ઓપરેશન દ્વારા ચાલતી વ્યવસ્થા હશે. પછીના બે વર્ષ આ બધા કર્મચારીઓ ડીમ્ડ ડેપ્યુટેશન પર અદાણીના સ્ટાફ તરીકે કામ કરશે. આ એરપોર્ટ પર સિક્યોરિટીની વ્યવસ્થા સંભાળી રહેલું સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, ફાયર ફાઇટિંગ દળ અને એંજિનિયરીંગ સેવાનું સંચાલન પણ અદાણીના અધિકારી કરશે.

હાલ કોઇ સેવાના ચાર્જિસમાં વધારો નહીં થાય. દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટની જેમ અહીં પણ સગવડો વધારવાનું કામ હાથ ધરાશે. પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થાથી માંડીને લાઉન્જની સુવિધાઓ વધારવામાં આવશે, પીક એન્ડ ડ્રોપ ફ્રી રહેશે.

એરપોર્ટ મેનેજર એ કે શર્માએ કહ્યું કે એરપોર્ટ ખાનગી કંપનીના હાથમાં જવાથી અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત થશે. 1400 કરોડના ખર્ચે ટર્મિનલ થ્રી બાંધવાનું કામ પણ શરૂ થશે. એ જ રીતે નવા આઠ એપ્રન બનશે. ફાયર ફાઇટિંગની સેવાને અપડેટ કરાઇ રહી હતી. રનવે અત્યારે 2700 મીટરનો છે. એ વધારીને 3500 મીટરનો કરાશે. એરપોર્ટ પરની જમીનમાં જ ભવિષ્યમાં મોલ અને હૉટલ બનાવવાની પણ યોજના છે. સમાનાંતર ટેક્સી વે બનાવવાનો પણ પ્રોજેક્ટ છે. ટર્મિનલમાં પણ પ્રવાસીઓનાં સુખ સગવડો વધશે.


Tags :