લિટ્ટે નેતા પ્રભાકરણ હજુ જીવે છે, 2009માં શ્રીલંકન સૈન્યએ મારી નાખ્યાનો દાવો કર્યો હતો
નેદુમારને કહ્યું કે હું પુષ્ટી કરી શકું છું કે તમિલ નેશનલ લીડર પ્રભાકરણ જીવે છે
image : Wikipedia |
વર્લ્ડ કન્ફેડરેશન ઓફ તમિલના અધ્યક્ષ પી.નેદુમારને તમિલનાડુના તંજાવુરમાં એક નિવેદન જારી કરી દાવો કર્યો હતો કે લિટ્ટે(LTTE)ના પ્રમુખ પ્રભાકરણ હજુ જીવે છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના સૈન્યએ 2009માં એક સૈન્ય અભિયાન ચલાવ્યું હતું જેમાં પ્રભાકરણને મારી નાખવાની વાત કહેવાઈ હતી.
નેદુમારને કહ્યું - લિટ્ટે પ્રમુખ સ્વસ્થ છે
નેદુમારને કહ્યું કે હું પુષ્ટી કરી શકું છું કે તમિલ નેશનલ લીડર પ્રભાકરણ જીવે છે. તેમણે એમ પણ કહ્યું કે આ ખુલાસો હું પ્રભાકરણ પરિવારની સંમતિથી કરી રહ્યો છું. નેદુમારને દાવો કર્યો હતો કે લિટ્ટે પ્રમુખ જીવિત અને સ્વસ્થ છે. તે જલદી સામે આવશે અને તમિલોના બહેતર જીવન માટે નવી યોજનાની જાહેરાત કરશે.
તેમણે કહ્યું કે હવે પ્રભાકરણનો સામે આવવાનો યોગ્ય સમય
તંજાવુરમાં મુલિવેક્કલ મેમોરિયલમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતા નેદુમારને કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને શ્રીલંકામાં રાજપક્ષે શાસન વિરુદ્ધ સિંહલી લોકોના શક્તિશાળી બળવાને કારણે પ્રભાકરણનો બહાર આવવાનો આ યોગ્ય સમય છે. તેની સાથે જ નેદુમારને દુનિયાભરમાં ઈલમ તમીલો(શ્રીલંકાના તમિલ) અને તમિલોને અપીલ કરી હતી કે તે પ્રભાકરણને પૂરેપૂરો સહયોગ કરે અને એકજૂટ થાય. તેમણે તમિલનાડુ સરકાર, પાર્ટીઓ અને તમિલનાડુની પ્રજાને પણ પ્રભાકરણની પડખે ઊભા રહેવા આહ્વાન કર્યું હતું.