Get The App

વાહનચાલકો સાવધાન... આવી ભૂલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
વાહનચાલકો સાવધાન... આવી ભૂલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ 1 - image


NHAI Fastag Rules : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ દેશમાં ટોલ સિસ્ટમ હાઈટેક-પારદર્શી બનાવવા, ટોલ પર થતો દુરુપયોગ અટકાવવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે નવી કડક વ્યવસ્થા લાગુ કરી દીધી છે. એનએચએઆઈના કડક નિયમમાં કહેવાયું છે કે, ‘જો વાહનની વિંડશીલ્ડ પર યોગ્ય રીતે ફાસ્ટેગ લગાવેલું નહીં હોય અને વાહન ચાલક ફાસ્ટેગ હાથમાં લઈને કે પછી ડેશબોર્ડ પર રાખેલા સ્કેનર પર સ્કેન કરવાનો પ્રયાસ કરશે તો તેનું ફાસ્ટેગ કોઈપણ ચેતવણી આપ્યા વગર આપોઆપ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.’ 11 જુલાઈથી લાગુ થયેલો આ નિયમ ‘લૂઝ ફાસ્ટેગ’ અથવા ‘ટેગ-ઈન-હેન્ડ’ કેટેગરીમાં રખાયો છે.

કેટલાક વાહનચાલકો જાણીજોઈને આવું કરતા હતા

ઘણી વખત એવું બનતું હોય છે કે, કેટલાક વાહન ચાલકો ટોલ સિસ્ટમને મૂંઝવણમાં મૂકવા અથવા જુદા જુદા વાહનમાં એક જ ફાસ્ટેગ ઉપયોગ કરવા માટે જાણીજોઈને વિંડશીલ્ડ પર ફાસ્ટેગ લગાવતા નથી. આવું કરવાથી ટોલની લેવડ-દેવડમાં વિલંબ થાય છે, ખોટી ચૂકવણીની ફરિયાદો પણ વધે છે, જેના કારણે ટોલ કલેક્શન સિસ્ટમની વિશ્વસનીયતા ખરડાય છે. એનએચએઆઈનું કહેવું છે કે, દેશભરમાં લાગુ કરવામાં આવનારા મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ અને એન્યુઅલ પાસ જેવી નવી સિસ્ટમને યોગ્ય રીતે લાગુ કરવા માટે આ પગલું ખૂબ જ જરૂરી હતું.

...તો NHAI ફાસ્ટેગ નિષ્ક્રિય કરી દેશે

જો કોઈ વાહનમાં યોગ્ય રીતે ફાસ્ટેગ લગાવ્યું નહીં હોય તો ટોલ પરનો સ્ટાફ સંબંધીત પોર્ટલ અથવા ઈ-મેઈલ કરીને તેની માહિતી મોકલશે, ત્યારબાદ એનએચએઆઈ તે ટેગને તુરંત નિષ્ક્રિય કરી દેશે. આવુ થશે તો વાહન ચાલક મુશ્કેલીમાં પણ મુકાશે અને સુવિધા હશે તો તેણે રોકડથી ટોલ ચુકવણી કરવી પડશે.

જુદા-જુદા વાહનોમાં એક ફાસ્ટેગ ગેરકાયદેસર

ઓથોરિટીએ ‘એક વાહન, એક ટેગ’ની પોલિસીનો પણ કડકાઈથી અમલ કર્યો છે. હવે જુદા-જુદા વાહનો પર એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરતો તો તે ગેરકાદેસર મનાશે. ફાસ્ટેગ ધારકો માટે KYC અપડેટ ફરજીયાત કરી દેવાયું છે. જો વાહન ચાલક વારંવાર ઉલ્લંઘન કરશે કે પછી તેનું ફાસ્ટેગ લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેશે, તો તેના ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ફરી એક્ટિવેશન અને ફોર્મ પ્રક્રિયા પુરી કરીને નવું ફાસ્ટેગ લેવાની નોબત આવશે. જે લોકો વારંવાર ઉલ્લંઘન કરે છે, તેઓ વિરુદ્ધ ભવિષ્યમાં કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

જાણી લો નિયમ, નહીં તો થશે નુકસાન

નિયમ મુજબ, જો તમારી પાસે ફાસ્ટેગ નથી અથવા તે કાર્યરત નથી, તો તમારે ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થવા પર બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એક વાહન માટે માત્ર એક જ ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી પાસે એક જ વાહન માટે એકથી વધુ ફાસ્ટેગ હોય, તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમારો ફાસ્ટેગ નુકસાનગ્રસ્ત હોય, કાર્યરત ન હોય, અથવા તેમાં અપૂરતું બેલેન્સ હોય, તો તેને અમાન્ય ગણવામાં આવશે અને તમારે બમણો ટોલ ચૂકવવો પડશે. જો ફાસ્ટેગ રીડર કામ ન કરતું હોય અને તમને ફાસ્ટેગ લેનમાંથી પસાર થવા દેવામાં આવે, તો તમારે કોઈ ટોલ ચૂકવવો પડશે નહીં. જો તમે તમારું વાહન વેચી રહ્યા છો, તો તમારે તમારા ફાસ્ટેગ ખાતાને બંધ કરાવવું અથવા વાહનનું ટ્રાન્સફર કરાવવું જરૂરી છે. નવું વાહન ખરીદતી વખતે, તમારે નવો ફાસ્ટેગ મેળવવો પડશે. 

ફાસ્ટેગ અંગે કેટલીક અન્ય મહત્ત્વની વાત

ફાસ્ટેગ એ ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલી એક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર વાહનોને રોક્યા વિના ટોલ ચૂકવવા દે છે. આ સિસ્ટમનો હેતુ ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો, સમય બચાવવાનો અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

ફાસ્ટેગ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજી પર કામ કરે છે. આ ટેગ તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. જ્યારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે, ત્યારે લેનમાં સ્થાપિત RFID રીડર ટેગને સ્કેન કરે છે અને તમારા FASTag સાથે જોડાયેલા બેંક ખાતા અથવા પ્રીપેઇડ વોલેટમાંથી આપોઆપ ટોલ કાપી લે છે.

ફાસ્ટેગને તમારા બેંક ખાતા, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઈન રિચાર્જ કરી શકાય છે. તમારા ફાસ્ટેગમાં પર્યાપ્ત બેલેન્સ જાળવવું જરૂરી છે જેથી ટોલ કપાત સરળતાથી થઈ શકે.

આ પણ વાંચો : બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઈમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પાઠવી નોટિસ

Tags :