લોકપાલ સર્ચ સમિતિ અંગે સરકારે શું પગલા લીધા? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
- 17 જાન્યુઆરી સુધી એફિડેવિટ ફાઇલ કરવા એટર્ની જનરલને કોર્ટનું સુચન
(પીટીઆઇ) નવી દિલ્હી,તા. 4 જાન્યુઆરી 2019, શુક્રવાર
લોકપાલને શોધવા માટે સર્ચ સમિતિ બનાવવા ગયા સપ્ટેમ્બરથી શું શું પગલાં લીધા તેની એફિડ્વિટ કરવા સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું.સર્વોચ્ચ અદાલતે એટર્ની જનરલ કે.કે. વેણુંગોપાલને ૧૭ જાન્યુઆરી સુધીમાં એક એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું હતું.' લોકપાલ માટે સર્ચ સમિતિ બનાવવાના મુદ્દે ક્યા ક્યા પગલાં ભર્યા તેની વિગતો એફિડેવિટમાં જણાવવી પડશે'એમ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ એસ.કે.કૌલની બેંચે કહ્યું હતું.
ગયા સપ્ટેમ્બરના ઓર્ડર પછીથી અનેક પગલાં લીધા હતા એવું એટર્ની જનરલે કહ્યું ત્યારે બેંચે તેમને આજ સુધી તમે શું શું કર્યું તેની વિગતો દર્શાવતી એફિડેવિટ રજૂ કરવા અને આ કામમાં ખૂબ સમય વેડફી નાંખ્યો હોવાનું કહ્યું હતું. જ્યારે એટર્ની જનરલે અનેક પગલાંની વાંરવાર વાત કરી હતી ત્યારે બેંચે વળતો સવાલ કર્યો હતો કે સપ્ટેમ્બર ૨૦૧૮ પછી તમે શું શું કર્યું તેની વિગતો એફિડેવિટમાં જણાવ.
સ્વસેવી સંસ્થા કોમન કોઝ સંસ્થા માટે હાજર રહેલા જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ લોકપાલના મુદ્દે સરકારની પાછળ પડી ગયા છે.તેમણે કહ્યું હતું કે સરકારે તેની વેબસાઇટ પર સમિતિના સભ્યોના નામ પણ જાહેર કર્યા નથી.લોકપાલ મુદ્દે કેન્દ્રની રજૂઆતને સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષે ૨૪ જુલાઇએ એમ કહીને કાઢી નાંખી હતી કે લોકપાલ શોધવાના મુદ્દે સર્ચ સમિતિ બનાવવા અંગે કેન્દ્રનો જવાબ બિલકુલ સંતોષકારક નથી. ત્યાર પછી બેંચે ચાર સપ્તાહમાં વધારે સારી એફિડેવિટ રજૂ કરવા કહ્યું હતું.
એટર્ની જનરલે કહ્યું હતું કે તે વખતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન,વડા પ્રધાન મોદી અને જાણીતા વકીલ મુકુલ રોહતગીની બનેલી સમિતિ ગયા વર્ષે ૧૯ જુલાઇએ મળી હતી અને સર્ચ સમિતિના સભ્યોના નામ અંગે ચર્ચા કરી હતી.