Get The App

લોકસભાના ચોમાસું સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
લોકસભાના ચોમાસું સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ 1 - image


Parliament Monsoon Session : લોકસભા સત્ર દરમિયાન ભારે ધાંધલ-ધમાલ, હોબાળો અને સૂત્રોચ્ચારોની ઘટના બાદ આજે સત્ર પૂર્ણ થયું છે. આ સાથે લોકસભામાં શરમજનક ઈતિહાસ પણ રચાયો છે, કારણ એ છે કે, આ સત્રમાં કુલ 120 કલાક કામકાજ કરવાનો સમય નિર્ધારીત કરાયો હતો, જોકે તેમાંથી માત્ર 37 કલાક જ કામકાત થઈ શક્યું છે અને 87 કલાક બરબાદ થઈ ગયા છે. લોકસભા સચિવાલયના જણાવ્યા મુજબ, સત્રમાં કુલ 21 બેઠકો યોજાઈ હતી, જેમાંથી 84 કલાકથી વધુ સમય બરબાદ થયો છે, જે 18મી લોકસભાના ઈતિહાસમાં હોબાળાને કારણે વેડફાઈ ગયેલો સૌથી વધુ સમય છે.

યોજના કરતા ઘણું ઓછું કામકાજ

સત્રની શરૂઆત 21 જુલાઈના રોજ થઈ હતી. સત્ર પહેલાં તમામ રાજકીય પક્ષોએ મળીને કુલ 120 કલાક ચર્ચા અને કામકાજ માટે ફાળવવાનું નક્કી કર્યું હતું. આ નિર્ણય પર વ્યાપાર સલાહકાર સમિતિએ પણ સંમતિ આપી હતી.

અધ્યક્ષે વ્યક્ત કરી નારાજગી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સત્રના અંતે જણાવ્યું કે, સતત અડચણો અને આયોજનબદ્ધ હોબાળાને કારણે ગૃહમાં માત્ર 37 કલાક અને 7 મિનિટ જ અસરકારક કામકાજ થઈ શક્યું છે. તેમણે ગૃહની કાર્યવાહીમાં વારંવાર આવતા અવરોધો પર નારાજગી વ્યક્ત કરી.

સરકારે પસાર કર્યા મહત્વના કાયદા

કામકાજ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોવા છતાં સરકારે આ સમયનો સદુપયોગ કર્યો છે. સરકારે ગૃહમાં કુલ 14 વિધેયકો રજૂ કર્યા અને તેમાંથી 12 મહત્વના કાયદાઓ પસાર કરાવ્યા.

આ પણ વાંચો : રાજ્યસભામાં ભારે હોબાળા વચ્ચે ‘ઓનલાઇન ગેમિંગ બિલ’ પસાર, ગઈકાલે લોકસભામાં થયું હતું પાસ

પસાર થયેલા મુખ્ય વિધેયકો

પસાર થયેલા કાયદાઓમાં ઓનલાઈન ગેમિંગને પ્રોત્સાહન અને નિયમન વિધેયક, 2025, ખનિજ અને ખાણકામ (વિકાસ અને નિયમન) સુધારા વિધેયક, 2025 અને રાષ્ટ્રીય રમત શાસન વિધેયક, 2025 મુખ્ય છે. આ કાયદાઓ વિવિધ ક્ષેત્રોમાં નવી દિશા આપવા માટે મહત્વના માનવામાં આવે છે.

વિવાદિત વિધેયક પર જોરદાર વિરોધ

સત્રમાં સૌથી વધુ વિવાદ 20 ઓગસ્ટના રોજ થયો હતો. આ દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રીએ ત્રણ મહત્વના વિધેયકો રજૂ કર્યા હતા. આ વિધેયકોમાં એવી જોગવાઈ હતી કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી 30 દિવસ સુધી ગંભીર ગુનાહિત આરોપોમાં જેલમાં રહે તો તેમને તેમના પદ પરથી હટાવી શકાય.

વિપક્ષના આકરા પ્રહાર

આ પ્રસ્તાવ પર વિપક્ષે આકરો વિરોધ દર્શાવ્યો હતો અને ગૃહમાં જોરદાર હોબાલો કર્યો હતો. સરકારના વિધેયકો આગળ વધ્યા હતા, પરંતુ ખાનગી સભ્યોના બિલો પર કોઈપણ ચર્ચા થઈ શકી નથી. એક પણ ખાનગી સભ્યનું બિલ રજૂ થઈ શક્યું નથી, તેના પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી કે કોઈ બિલ પસાર પણ થયું નથી.

પ્રશ્નકાળ અને સમિતિઓની કામગીરી

આ સત્રમાં નિયમ 377 હેઠળ 537 મુદ્દાઓ ઉઠાવાયા હતા, જેમાં ઘણા મહત્વના જાહેર મુદ્દાઓનો સમાવેશ થતો હતો. પરંતુ, જાહેર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા માટે અપાયેલી 61 નોટિસમાંથી એક પણ સ્વિકારાઈ નથી. આ દરમિયાન સંસદીય સમિતિઓએ કુલ 124 રિપોર્ટ રજૂ કર્યા, જેમાં 89 વિભાગીય સ્થાયી સમિતિઓના અને 18 નાણાકીય સમિતિઓના હતા.

મંત્રીઓના નિવેદનો અને પ્રશ્નોના જવાબ

મંત્રીઓએ ગૃહમાં 53 નિવેદનો આપ્યા હતા. પ્રશ્નકાળ દરમિયાન 419 તારાંકિત પ્રશ્નો સ્વિકારાયા, પરંતુ તેમાંથી માત્ર 55નો જ મૌખિક જવાબ અપાયો હતો. આ ઉપરાંત, 4829 અતારાંકિત પ્રશ્નો પણ સ્વિકારાયા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે હોબાળાને કારણે સંસદનું મહત્વપૂર્ણ કામકાજ મોટા પાયે પ્રભાવિત થયું.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતા ન રોકી શકીએ : સરકારનો જવાબ

Tags :