દેશમાં સંપત્તિની પુનઃ વહેંચણી ખરેખર કરી શકાય કે નહીં? જાણો તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ
ગરીબ અને ધનિકો વચ્ચેનું અંતર ભારતમાં ઘણું વધારે, આ મુદ્દે જર્મની અને બ્રિટનમાં પણ સ્થિતિ ઘણી સારી છે
દેશમાં સંપત્તિની પુનઃવહેંચણી કરવાનો મુદ્દો ઊભો તો થયો છે પણ પ્રેક્ટિકલી તેને અમલમાં મુકી શકાય કે નહીં તે અંગે અવઢવ

Image : Envato |
Lok Sabha Elections 2024 | દેશમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ જામતી જાય છે તેમ તેમ વિવિધ મુદ્દે રાજકીય નેતાઓના ભાષણો પણ જામતા જાય છે. થોડા સમય પહેલાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર આવ્યો ત્યારે તેમાં સંપત્તિની પુન: વહેંચણી કરવાની વાત તેમાં કરવામાં આવી હતી. ધનિકો પાસે જે અધધ સંપત્તિ છે તેને લઈને જેમની પાસે નથી તેમને આપવાની વાત થઈ રહી છે. સૈદ્ધાંતિક રીતે આર્થિક અસમાનતાને દૂર કરવા માટે આવા પગલાં લેવામાં આવતા હોય છે. આવી પ્રક્રિયામાં મોટાભાગે ધનિકો ઉપર વધારે ટેક્સ પણ લાગુ કરવામાં આવે છે. તે ઉપરાંત જમીનની માલિકી, જમીનની વહેંચણી અને બીજા મુદ્દા પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં લાવવામાં આવે છે. એકંદરે ધનિકો પાસેથી પૈસા ખેંચીને ગરીબો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઢંઢેરામાં સમાજની આર્થિક અસમાનતાને દૂર કરવા માટે એફરમેટિવ એક્શનને યોગ્ય રીતે લાગુ કરવાની વાત કરવામાં આવી છે. તેના કારણે દેશમાં સામાજિક, આર્થિક અને જાતીગત રીતે વસતી ગણતરી કરવાની પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. વાત એવી છે કે, કોંગ્રેસે કે તેના કોઈ નેતાએ વેલ્થ રિડ્રિસ્ટીબ્યૂશનની સ્પષ્ટ વાત નથી કરી પણ આ મુદ્દે ચર્ચા છેડાઈ છે. રાહુલ ગાંધીએ સર્વે થયા બાદ ભારતની સંપત્તિ, નોકરી અને કલ્યાણકારી યોજનાઓમાં તમામને ભાગીદારી મળવી જોઈએ તે નક્કી કરવાની વાત કરી હતી. હવે રાજકીય સ્તરે આ મુદ્દો બદલાઈ ગયો છે અને વેલ્થ રિડિસ્ટ્રિબ્યૂશનનો થઈ ગયો છે. આ આરોપ-પ્રત્યારોપના રાજકારણ વચ્ચે ખરેખર જાણીએ કે વેલ્થ ડિસ્ટ્રિબ્યૂશન હોય છે શું અને ક્યારે કરવામાં આવે છે.
આર્થિક અને સામાજિક અસમાનતા મુખ્ય કારણ છે
વેલ્થ રિડ્રિસ્ટ્રિબ્યૂશનની વાત ત્યારે જ સમાજમાં આવે છે જ્યારે સમાજમાં આર્થિક રીતે અસમાનતા ઘણી વધારે હોય છે. જાણકારોના મતે વર્તમાન સમયે એવી સ્થિતિ જ સર્જાયેલી છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના અભ્યાસમાં સામે આવ્યું છે કે, દુનિયાના 38 દેશોના 10 ટકા અતિ ધનિક પરિવારો પાસે કુલ 52 ટકા સંપત્તિ છે. બીજી તરફ ઓછા ધનિક લોકો પાસ માત્ર 12 ટકા સંપત્તિ છે. તેના કારણે જ આર્થિક અસમાનતા ઘટાડવા માટે સંપત્તિની પુન:વહેંચણી કરવાની વાતો થઈ રહી છે. સામાન્ય રીતે જાણકારો માને છે કે, આ રીતે કરવાથી સંપત્તિની થોડી ઘણી વહેંચણી સમાન રીતે શક્ય થાય તેમ છે. આવા કિસ્સામાં સુપર રીચ લોકો પાસેથી ટેક્સની વધારે રમક ઉઘરાવવામાં આવે છે. વધારે કમાણી કરનારા લોકો વધારે ટેક્સ આપતા હોય છે. આ જે કમાણી થાય છે તેના દ્વારા કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે, સબસીડીની રકમ આપવામાં આવે છે. ઘણી વખત સીધા જ ખાતામાં રકમ જમા કરાવવા જેવી યોજનાઓ પણ લાગુ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો વેલ્થ રીડિસ્ટ્રિબ્યૂશનની કોઈ નક્કર યોજના કે ફોર્મ્યુલા નથી. સરકારો દ્વારા પહેલાં સંપત્તિ ઉપર પણ ટેક્સ લાગુ કરવામાં આવતો હતો. ભારતની જ વાત કરીએ તો ત્યાં પહેલાં વારસાહી ટેક્સની જેમ જ સંપત્તિ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વેલ્થ ટેક્સ અને ગિફ્ટ ટેક્સ પણ લાગુ કરવામાં આવ્યો હતો. સમયાંતરે નવી સરકારો દ્વારા આ માળખું રદ કરવામાં આવ્યું અને તમામ ટેક્સ બંધ કરવામાં આવ્યા. સરકારોનું માનવું હતું કે, આ ટેક્સ દ્વારા જે રકમની આવક થતી હતી તેના કરતા વધારે ખર્ચ આ માળખાને ચલાવવા પાછળ થતો હતો. તેથી આ માળખું યોગ્ય નહોતું.
ભારતમાં સંપત્તિની પુન:વહેંચણીની જરૂર લાગી રહી છે
આર્થિક બાબતોના જાણકારોના મતે દેશમાં સંપત્તિની પુન:વહેંચણીની જરૃર જણાઈ રહી છે. ભારતમાં આર્થિક અસમાનતા ખૂબ જ મોટા પાયે વધેલી છે. તેમાંય આર્થિક અસમાનતાનો તફાવત છે તે ખૂબ જ વધારે છે. તાજેતરના અભ્યાસ પ્રમાણે ભારતના 1 ટકા ધનિકો પાસે 40 ટકા સંપત્તિ છે. આ તફાવત ખૂબ જ મોટો છે. તેને ખાળવા માટે મોટા પગલાં ભરવા પડે તેમ છે. તેના માટે અબજપતિઓ અને ધનકુબેરો ઉપર સુપર રિચ ટેક્સ લાગુ કરવો જ પડે તેમ છે. થોડા સમય પહેલાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે, 2020-21માં દેશની 6.6 ટકા વસતી દ્વારા જ આઈટી રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું હતું. તેમાંથી 0.68 ટકા લોકો દ્વારા જ ટેક્સ ભરવામાં આવ્યો હતો. દેશના સૌથી ધનિક લોકો જેઓ 0.16 ટકા છે તેમણે ટેક્સેબલ ઈન્કમ 38.6 ટકા જ જાહેર કરી. તેનો સીધો અર્થ એવો થાય છે કે, જેટલી વધારે આવક તેટલી વધારે બચત. આ 0.16 ટકા લોકો પાસેથી સંપત્તિ લઈને વહેંચવામાં આવે તે બાકીના 90 ટકા લોકોને તેનો લાભ થાય તેમ છે. દેશમાં ઈ-શ્રમ પોર્ટલ ઉપર 300 મિલિયન લોકોની નોંધણી થયેલી છે. તેમાંથી 90 ટકા લોકો એવા છે જેમની માસિક આવક 10000 રૂપિયા કરતા ઓછી છે. તેનાથી જ ખ્યાલ આવે છે કે, 1 ટકા લોકોની આવક અધધ છે જ્યારે 90 ટકા લોકો પાસે કશું જ નથી. આ અસમાનતાને દૂર કરવા માટે પુન: વહેંચણીના વિકલ્પ ઉપર વિચાર થવો જોઈએ.
સરકાર ધનિકોની સંપત્તિ લઈને ગરીબોમાં વહેંચી શકે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, સરકાર પાસે અધિકાર છે કે, તે ખાનગી સંપત્તિઓ અને ખાસ કરીને ધનિકોની સંપત્તિનું અધિગ્રહણ કરીને એટલે કે સંપાદિત કરીને તેનું પુન: વિતરણ કરી શકે છે. બંધારણના આર્ટિકલ 39(બી)માં સરકારને સામાન્ય લોકોના લાભ માટે ભૌતિક સંસાધનોને પોતાના કબજામાં લઈને તેને જરૂરિયામંદ લોકોમાં વહેંચવાનો અધિકાર હોવાનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. જો કે, આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં જ ઘણી વખત અલગ અલગ વિભાવનાઓ કરવામાં આવી છે. સરકાર દ્વારા આવું કર્યાના દાખલા પણ છે અને ઘણાં કિસ્સામાં સુપ્રિમે આવી કામગીરી અટકાવ્યાના પણ ઉદાહરણો જોવા મળે છે. બંધારણમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી હેઠળ ઉપરોક્ત આર્ટિકલ આવે છે. તેના આધારે રાજ્યને અધિકાર મળે છે કે, તે સમુદાયની ભલાઈ માટે ભૌતિક સંસાધનોને સંપાદિત કરીને તેને લોકોમાં વહેંચી શકે છે. મહત્ત્વની વાત એ છે કે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીનો ઉદ્દેશ કાયદો બનાવવાની દિશામાં સરકારને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. તેનાથી કશું નક્કર પુરવાર થાય તેવું નથી તેવો પણ એક તર્ક છે.
દુનિયાના ઘણા દેશોમાં આર્થિક અસમાનતાનો દર વધારે
ભારતની વાત કરીએ તો અહીંયા આર્થિક અસમાનતા પણ ખૂબ જ વધારે છે. ખાસ કરીને જર્મની અને બ્રિટન કરતા ભારતમાં આર્થિક અસમાનતા વધારે છે. ધ વર્લ્ડ ઈનઈક્વાલિટી લેબ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં 10 ટકા લોકો પાસે 64.6 ટકા સંપત્તિ છે. જર્મની અને બ્રિટનમાં અનુક્રમે આ આંકડો 57.6 ટકા અને 57 ટકા છે. સરેરાશ જોવા જઈએ તો દુનિયાના ઘણા દેશો છે જેમાં ભારત કરતા વધારે અસમાનતા છે પણ આ દેશોની અર્થવ્યવસ્થા પહેલેથી જ આ રીતે ચાલતી હોવાના દાખલા છે. ભારતમાં તબક્કાવાર અસમાનતા વધતી જ ગઈ છે. આમ જોવા જઈએ તો સૌથી વધારે આર્થિક અસમાનતા સાઉથ આફ્રિકામાં છે. સાઉથ આફ્રિકામાં દેશના સૌથી ધનિક 10 ટકા લોકો પાસે 85.6 ટકા જેટલી સંપત્તિ છે. જ્યારે બાકીની માત્ર 14.4 ટકા સંપત્તિ સમગ્ર દેશવાસીઓ વચ્ચે વહેંચાયેલી છે. તેવી જ રીતે બ્રાઝિલમાં 10 ટકા ધનકુબેરો પાસે 79.9 ટકા સંપત્તિ છે. અમેરિકામાં પણ આ આંકડો ઉંચો જ છે. અમેરિકામાં 10 ટકા ધનવાનો પાસે 70.7 ટકા સંપત્તિ છે.
1977ના એક કેસમાં આ આર્ટિકલની વિભાવના સ્વીકારાઈ નહોતી
1977 પછી આ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ઘણા કેસમાં આર્ટિકલ 39(બી)ને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેટલાક મુદ્દે તેની સીધે સીધી વિભાવના સ્વીકારાઈ નહોતી. 1977માં કર્ણાટક રાજ્ય વિરુદ્ધ શ્રી રંગનાથ રેડ્ડી કેસમાં આ આર્ટિકલની વિભાવના અલગ રીતે સ્વીકારવામાં આવી હતી. આ કેસમાં 7 ન્યાયાધિશોની ખંડપીઠ સુનાવણી કરવા બેઠી હતી. તેમાં 4:3ની સરેરાશમાં ચુકાદો આવ્યો હતો. બહુમત ચુકાદો જણાવતો હતો કે, સામાન્ય સમુદાયના ફાયદાને આ આર્ટિકલ દ્વારા ખાનગી ભૌતિક સંસાધનોને સંપદિત કરી શકાય નહીં. ખાનગી માલિકીના સંસાધનો જાહેર ફાયદાના દાયરામાં આવી શકે જ નહીં.તે સમયે જસ્ટિસ કૃષ્ણા ઐયરે જણાવ્યું કે, આ વિભાવના ખોટી છે. ખાનગી સંપત્તિને જાહેર સંપત્તિ જ માનવી જોઈએ. તેમનો તર્ક હતો કે, વ્યક્તિ સમાજનો જ એક ભાગ છે. તેથી વ્યક્તિની વ્યક્તિગત સંપત્તિ પણ સમાજનો જ એક ભાગ ગણાવો જોઈએ. તેથી તેમણે આ આર્ટિકલની વ્યાખ્યાને સ્વીકારવા અને લાગુ કરવાનો તર્ક આપ્યો હતો. નવાઈની વાત એ છે કે, તે સમયે ચુકાદો અલગ આવ્યો પણ સમય જતાં જસ્ટિસ કૃષ્ણા ઐયરનો તર્ક જ વધારે સુસંગત થવા લાગ્યો હતો.

